જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં આજે સોમવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. એશિયાના સૌથી ઊંચા અને પ્રખ્યાત ‘ગુલમર્ગ ગોંડોલા કેબલ કાર’માં અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાતાં રોપવે સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. આ ખામીના કારણે સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાઈ ગયા હતા. કાશ્મીરના આ હિલ સ્ટેશન પર અચાનક બનેલી આ ઘટનાથી પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં એસડીઆરએફ, એનડીઆરએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સંયુક્ત બચાવ અભિયાન શરૂ કર્યું હતું.

પ્રખ્યાત ગુલમર્ગ રોપવેમાં ખામી સર્જાયા બાદ સેંકડો પ્રવાસીઓ હવામાં અધવચ્ચે ફસાઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંદાજે ૩૦૦ લોકો રોપ-વેની કેબિનમાં ફસાયેલા છે. રોપવેની કેબિન અચાનક અટકી જવાથી અફરાતફરી મચી ગઈ હતી. હવામાં ફસાયેલા પ્રવાસીઓ ચીસાચીસ કરવા લાગ્યા હતા. તરત જ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સેના, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો સામેલ છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે પરિસ્થિતિ પર અમારી નજર છે. ગભરાવાની જરૂર નથી.

ગુલમર્ગમાં એસડીઆરએફ, એનડીઆરએફ અને ગુલમર્ગ ગોંડોલાની ક્યુઆરટી ટીમ દ્વારા તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવામાન ખરાબ હોવાને કારણે રેસ્ક્યૂમાં થોડી મુશ્કેલી સર્જાઇ, છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં વરસાદ અને કરા પડી રહ્યા છે. સીડી અને કેબલની મદદથી રેસ્ક્યૂ ટીમ દરેક કેબિન સુધી પહોંચી રહી છે. કલાકોની જહેમત બાદ મોટાભાગના પ્રવાસીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ઑફિસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે ગુલમર્ગ ગોંડોલા કેબલ કાર સેવા અસ્થાયી રૂપે બંધ થયા બાદ સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તમામ કેબિન સુરક્ષિત છે અને ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે તાલીમબદ્ધ ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ વાત નથી.

ટેકનિકલ ટીમનું કહેવું છે કે સમગ્ર કેબલ સિસ્ટમ ઘણી મજબૂત છે, કોઈપણ પ્રકારના નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. કેબલને ખેંચતી મોટર્સને રોકી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી ગુલમર્ગ માટે રવાના થઈ ગયા છે. બચાવ કામગીરી ચાલુ છે અને સેના સહિત સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે.
