‘મારી પત્ની મને ઝૂડી નાખે છે’ પતિની આ પીડા હચમચાવી નાખશે

પત્નીથી આઝાદી અપાવવા ભગવાન પાસે મોતની ભીખ માગતા પુરૂષોની કોમેડી રીલ્સ ખૂબ જોઈ હશે. પતિ-પત્નીના મેસેજ પણ ખૂબ વાંચ્યા હશે. પણ આવી જ કોઈ ઘટના હકીકતમાં બને તો? તમારા માનવામાં નહીં આવે. પરંતુ સુરતમાં એક પતિ પોતાની પત્નીથી એટલો ત્રાસી ગયો કે તેણે કલેક્ટર સમક્ષ ઈચ્છામૃત્યુની માગણી કરી છે.

સામાન્ય રીતે ઈચ્છામૃત્યુની માગણી ગંભીર બીમારીથી પીડાતા લોકો કરતા હોય છે. તેમને પણ ઈચ્છામૃત્યુની મંજૂરી મળતી નથી. પરંતુ સુરતથી જે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે.

તમને બેંગલુરૂમાં આઈટી કંપનીમાં અધિકારી અતુલ સુભાષના જીવન ટૂંકાવવાનો કેસ તો યાદ હશે. જેમાં તેણે પોતાની આપવીતી વીડિયો રેકોર્ડ કરીને જણાવી હતી અને ત્યારબાદ મોતને વહાલું કરી દીધુ હતું.

આવા જ એક કિસ્સામાં સુરતના કિરીટ પટેલ નામના એક વ્યક્તિએ કલેક્ટર પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી છે. કિરીટનું કહેવું છે કે તેની પત્ની મોનિકા ચૌહાણ તેને ખૂબ માર મારતી હતી. તેનું કહેવું છે કે પત્ની પહેલા તેને માર મારીને ઉશ્કેરતી અને જ્યારે તેનો પ્રતિકાર કરે તો ૧૮૧ પર કોલ કરીને ગુનો દાખલ કરાવતી. તે મહિલાઓના કાયદાનો દુરુપયોગ કરીને તેના ઉપર અત્યાચાર ગુજારે છે.  તેની ઉપર ખોટા કેસ કરીને કોર્ટ કચેરીના ધક્કા ખવડાવે છે. આ બાબતે જ્યારે  કિરીટ પટેલ પોલીસ ફરિયાદ કરવા ગયા તો તેમની ફરિયાદ લેવામાં નથી આવતી. પોલીસ તેમને સમજાવીને ઘરે મોકલી દે છે.

આખરે તેને ક્યાંયથી ન્યાય ન મળતાં હવે કલેક્ટર પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી છે. કિરીટને લાગી રહ્યું છે કે પુરૂષો માટે જાણે કોઈ કાયદો જ ન હોય તેમ તેની સાથે વ્યવહાર થઈ રહ્યો છે. અને તેનાથી કંટાળીને જ તે જીવન ટૂંકાવવા માગે છે. આખરે તેમની બીજી પત્ની તેમને કેટલો ત્રાસ આપતી હતી તે તેમની પાસેથી જ સાંભળો. 

મૂળ પાટણના સિદ્ધપુરના વતની અને સુરતમાં રહેતા કિરીટ પટેલનું કહેવું છે કે- તેમની પત્ની નાની-નાની વાતોમાં ઝઘડા કરીને તેમને ઉશ્કેરતી હતી અને તેમને માર પણ મારતી હતી. અને જ્યારે તે મારવાની કોશિશ કરે તો 181 અથવા 100 નંબર પર કોલ કરીને તેમને જેલમાં પૂરાવતી હતી. એક વખત સખી વન સ્ટોપની કચેરીમાં તેણે પોતાના હાથે છૂટા પડ્યાનું લખાણ લખી આપ્યું હતું. હવે તેણે ભરણપોષણનો ખોટો કેસ કર્યો છે. ફક્ત પત્ની જ નહીં પરંતુ તેના સાસરિયા પણ તેને ખૂબ ત્રાસ આપી રહ્યા છે. અરજીમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે, સાસુ રમીલાબેન, સાળો દીપક અને સાળાની પત્ની શર્મીલા તેમને ખૂબ જ માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. એટલું જ નહીં 2 લાખની ખંડણી પણ માગે છે.

કિરીટ પટેલ અવાર-નવાર પોલીસ પાસે ગયા પણ તેમની રજૂઆત સાંભળવામાં ન આવતાં હવે તેમને લાગી રહ્યું છે કે પુરૂષો માટે કોઈ કાયદો જ નથી. કાયદો ફક્ત સ્ત્રીઓ માટે છે.

આ પ્રકરણમાં હવે આગામી સમયમાં કલેક્ટર અને પોલીસ તરફથી શું એક્શન લેવામાં આવશે તેના પર સૌની નજર રહેલી છે. કારણ કે ફરી એકવાર પુરૂષો માટેના કાયદાની વાત બુલંદ બની છે. જો પત્ની અને તેના પિયરના લોકો પતિને ખોટી રીતે હેરાન કરતા હોય તો પોલીસે તપાસ કરીને તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *