અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પરથી યુએસ નેવીની અભૂતપૂર્વ નાકેબંધી હટાવવાના સંકેત આપીને વિશ્વને મોટી રાહત આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાને ક્યારેય ન્યુક્લિયર હથિયાર ન બનાવવાની શરત સ્વીકારવી પડશે.

વૈશ્વિક અર્થતંત્ર અને દરિયાઈ વ્યાપારના સૌથી મહત્વપૂર્ણ રૂટ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટથી એક ખૂબ જ રાહત જનક સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પરથી અમેરિકન નેવીની નાકેબંધી હટાવવાનો મોટો સંકેત આપ્યો છે. ટ્રમ્પના આ આદેશ બાદ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ફસાયેલા સેંકડો કોમર્શિયલ જહાજો માટે હવે પોતાના વતન પરત ફરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ નિર્ણય પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચે બેકચેનલ ડિપ્લોમેસી દ્વારા થયેલી એક મોટી સમજૂતી જવાબદાર માનવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક સત્તાવાર પોસ્ટ કરીને વૈશ્વિક શિપિંગ ઉદ્યોગને ખુશખબર આપ્યા છે. તેમણે જણાવ્યું કે, “ઈરાને હવે એ વાતની લેખિત મંજૂરી અને સહમતિ આપવી પડશે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ ન્યુક્લિયર વેપન (પરમાણુ હથિયાર) કે બોમ્બ બનાવશે નહીં. આ શરત સાથે જ હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક અસરથી ખોલી દેવામાં આવે, જેથી કોઈ પણ પ્રકારના ટેક્સ કે ટોલ વગર બંને દિશાઓમાં જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વિના ફરી શરૂ થઈ શકે.”

ટ્રમ્પે આગળ ઉમેર્યું કે, સમુદ્રમાં બિછાવવામાં આવેલી તમામ વોટર માઇન્સને (Water Mines) નષ્ટ કરી દેવામાં આવશે. અમારી અદભુત અંડર વોટર માઇન સ્વીપર્સ ટીમે પહેલાથી જ દરિયામાંથી અનેક ખતરનાક માઇન્સને ડેટોનેટ કરીને હટાવી દીધી છે. ઈરાન પણ હવે બાકી બચેલી માઇન્સને તાત્કાલિક હટાવશે. આપણી યુએસ નેવીની અભૂતપૂર્વ નાકેબંધીને કારણે જે જહાજો અત્યાર સુધી મધ્યમાં અટવાયા હતા, તેઓ હવે સુરક્ષિત રીતે ઘરવાપસીની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
ટ્રમ્પે પોતાના આગવા અંદાજમાં દરિયામાં અટવાયેલા ક્રૂ મેમ્બર્સને સંબોધતા કહ્યું કે, “તમારી પત્નીઓ, પતિઓ, માતા-પિતા અને પરિવારોને મારા એટલે કે તમારા મનપસંદ રાષ્ટ્રપતિના નમસ્કાર કહેજો!” આ સાથે જ તેમણે એક સૈન્ય ઓપરેશનનો ઉલ્લેખ કરતા લખ્યું કે, જેને ક્યારેક ન્યુક્લિયર ડસ્ટ કહેવામાં આવે છે અને જે અંદાજે ૧૧ મહિના પહેલા આપણા શક્તિશાળી B૨ બોમ્બર વિમાનોના હુમલાથી તૂટી પડેલા પર્વતો અને ઊંડી જમીન નીચે દટાયેલી છે, તેને અમેરિકા બહાર કાઢશે. આ કામ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન અને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) સાથે મળીને સંયુક્ત રીતે કરવામાં આવશે અને તે પરમાણુ કચરાને સંપૂર્ણપણે નષ્ટ કરાશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે હાલમાં આ પ્રક્રિયા માટે કોઈ નાણાકીય લેણદેણ થશે નહીં અને તેઓ વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં (Situation Room) હાઈ-લેવલ મીટિંગ કરીને આના પર અંતિમ મહોર મારશે.

વ્હાઇટ હાઉસના આંતરિક સૂત્રો અને રાજદ્વારી અહેવાલો અનુસાર, અમેરિકા અને ઈરાનના વાર્તાકારો વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી પત્ર એટલે કે MoU ના મુસદ્દા પર સહમતિ બની ગઈ છે, જો કે બંને દેશોના સર્વોચ્ચ નેતાઓ તરફથી હજુ સત્તાવાર આખરી મંજૂરી બાકી છે. વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે આ સમજૂતીના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલો વર્તમાન યુદ્ધવિરામ વધુ 60 દિવસ માટે લંબાઈ જશે. આ વધારાના સમયગાળા દરમિયાન બંને પક્ષો ટેબલ પર બેસીને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કાયમી પ્રતિબંધ લગાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરશે.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ MoU પર હસ્તાક્ષર કરતા પહેલા તેની તમામ કલમો પર બારીકાઈથી વિચાર કરવા માટે થોડો વધુ સમય ઈચ્છી રહ્યા છે. બીજી તરફ, આ વૈશ્વિક મધ્યસ્થતા પ્રક્રિયામાં સામેલ એક પ્રભાવશાળી દેશના રાજદ્વારીએ જણાવ્યું છે કે હાલમાં મીડિયામાં જે અહેવાલો આવી રહ્યા છે તેમાં વાતચીતની સ્થિતિને થોડી વહેલી દર્શાવવામાં આવી છે, કારણ કે હજુ ઈરાન સરકારના વડાઓ તરફથી પણ આ આંતરરાષ્ટ્રીય ડીલ પર આખરી મહોર મારવાની બાકી છે. પરંતુ આ પ્રાથમિક આદેશોથી ક્રૂડ ઓઇલના સપ્લાય અને વૈશ્વિક બજારને બહુ મોટી રાહત મળી છે.
