શું તમે ધોળા દિવસે અંધારું જોયું છે? તમે કહેશો કે શું મજાક કરો છો. પરંતુ રાજસ્થાનમાં આવેલા રેતના તોફાને ધોળે દિવસે અંધારપટ કરી દીધો. જેનો નજારો જોશો તો તમારા હોશ ઉડી જશે.

30 મેના રોજ બપોરનો સમય હતો. રાજસ્થાનના લોકો નિયમિતપણે પોતાના કામમાં જોતરાયેલા હતા. તે વખતે અચાનક જ પાકિસ્તાન બાજુથી એવું વાવાઝોડું આવ્યું કે તેની કલ્પના પણ કોઈએ નહોતી કરી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં 48 લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ રાજસ્થાનમાં આ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી. જે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. આવો ભયાનક નજારો રાજસ્થાનવાસીઓએ પહેલા ક્યારેય નહોતો જોયો. તમે કલ્પના કરો કે વાવાઝોડાની તીવ્રતા કેટલી ખતરનાક હશે કે રણની રેત છેક આકાશના વાદળ સુધી પહોંચી ગઈ હતી. વાદળ અને રેત એકાકાર થઈ ગયા હતા. જેને પણ આ નજારો જોયો કે કેમેરામાં કેદ કર્યો તેને લાગ્યું કે બસ સામે મોત આવી રહ્યું છે. આ ભયાનક વાવાઝોડું રાજસ્થાનના પાંચ જિલ્લામાં આવ્યું. જેમાં શ્રીગંગાનગર, બીકાનેર, ચૂરુ, હનુમાનગઢ અને સીકરનો સમાવેશ થાય છે.

વાવાઝોડું એટલું ભયાનક હતું કે ભરબપોરે અંધારું થઈ ગયું. રસ્તા પરથી જઈ રહેલા વાહનચાલકો થંભી ગયા. અંધારપટ છવાઈ જતાં લોકોએ પોતાના વાહનોની હેડલાઈટ ચાલુ કરી દીધી. લાઈટ ઓન કરવા છતાં આગળ કંઈ જ દેખાતું નહોતું. વાવાઝોડાએ લોકોને ચારેબાજુથી જાણે ઘેરી લીધા હતા. આવી સ્થિતિમાં લોકો જ્યાં હતા ત્યાંને ત્યાં જ થંભી ગયા. જેનો ભયાનક નજારો લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. આ દ્રશ્યો જ કહી આપે છે કે આ તોફાન કેટલું ભયાનક હતું.
![]()
અત્યંત ભયાનક વાવાઝોડાની સાથે જ પાંચેય જિલ્લામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો. જેના કારણે લોકોની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ. લોકો ઘરની અંદર પણ ધૂળના ઢગલા થઈ ગયા. ભયાનક વાવાઝોડાના કારણે લોકોને મોટું નુકસાન થયું છે. ઘણા કાચા મકાનો અને વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે.

એક તરફ રાજસ્થાનમાં તોફાને કહેર મચાવ્યો છે, તો બીજીતરફ રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત અને રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં વાતાવરણ બદલાશે. પવનના તોફાનો અને ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ વરસી શકે છે. ૩૦ મેથી લઈને ૪ જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે

- પંચમહાલ અને દાહોદમાં ૨.૫ ઈંચથી વધુ વરસાદની શક્યતા છે
- વડોદરા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૧ ઈંચ સુધી વરસાદની શક્યતા છે.
- આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના પટ્ટામાં વરસાદની આગાહી છે
- અંબાલાલની આગાહી છે કે ૮ અને ૯ જૂન દરમિયાન વરસાદી જોર વધતા અતિવૃષ્ટિ થવાની આશંકા છે
- રાજ્યમાં ૧૫ જૂનથી વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે.
- ત્યારબાદ ૨૦ જૂનની આસપાસ અને ૨૩ થી ૨૮ જૂનની વચ્ચે સાર્વત્રિક સારો વરસાદ થશે.

એટલે કે વરસાદ આ વખતે ધમાકેદાર એન્ટ્રી કરશે તે વાત નક્કી છે. આમ તો ગુજરાતીઓ પહેલા વરસાદમાં ભીંજાવાની મોજ માણતા હોય છે પણ જો પલળવું ના હોય તો રેઈનકોટ અને છત્રીઓ માળિયામાંથી કાઢી રાખજો. કારણ કે હવે ટૂંક સમયમાં જ વરસાદ આવી રહ્યો છે.

તો બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી IPLની ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં થન્ડર એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેના કારણે ફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે 31 મેના રોજ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે વચ્ચે મુકાબલો થવાનો છે.તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. કેટલીક જગ્યાએ તો પવનની ઝડપ ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

ટૂંકમાં કાળઝાળ ગરમી બાદ હવે મૌસમનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને ટૂંક સમયમાં જ હવે રાહત મળશે. કારણ કે વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક અનુભવાશે.
