ગાંધીનગરમાં રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલિસી ૨૦૨૬’ જાહેર કરી છે. આ જાહેરાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. નવી પોલિસીમાં ઉત્તમ જીવનશૈલી અને ઉત્તમ કમાણીના “ડબલ એન્જિન ગ્રોથ” પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

પોલિસી અંતર્ગત રાજ્યમાં ૧૦૦ % રિન્યુએબલ એનર્જી આધારિત ગ્રીન GIDC સ્થાપવાની યોજના છે. સાથે જ વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતના અર્થતંત્રને ૩.૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

૨૧ હાઈ-ટેક ‘થ્રસ્ટ સેક્ટર્સ’ જાહેર
નવી નીતિ હેઠળ ભવિષ્યના ૨૧ હાઈ-ટેક સેક્ટર્સને ‘થ્રસ્ટ સેક્ટર્સ’ તરીકે ઓળખવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોને વિશેષ પ્રોત્સાહન મળશે. તેમાં મુખ્યત્વે ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોલાઇઝર અને બેટરી સ્ટોરેજ, સેમિકન્ડક્ટર સંબંધિત ઉદ્યોગો, ડ્રોન-રોબોટિક્સ અને સ્પેસ મેન્યુફેક્ચરિંગ તેમજ ડિફેન્સ અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

સ્ટાર્ટઅપ અને રિસર્ચ માટે વિશેષ સહાય
મહિલા કો-ફાઉન્ડર ધરાવતા સ્ટાર્ટઅપ્સને એક વર્ષ માટે દર મહિને રૂ. ૩૦,૦૦૦ નું ભથ્થું અને ટર્મ લોન પર ૧ % વધારાની વ્યાજ સબસિડી મળશે. હાઈ-ટેક અને ગ્રીન સ્ટાર્ટઅપ્સ માટે મહત્તમ રૂ. ૫૦ લાખ સુધીની સીડ સપોર્ટ સહાય પણ જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં સિંગલ વિન્ડો સિસ્ટમને વધુ સરળ બનાવવા હબ એન્ડ સ્પોક મોડલ પર ઉદ્યોગ સહાય કેન્દ્રો શરૂ કરવામાં આવશે. પ્રોજેક્ટ T.H.R.I.V.E હેઠળ શહેરોને પ્રદૂષણમુક્ત બનાવવા પર પણ ધ્યાન આપવામાં આવશે. સાથે જ ગુજરાતને વૈશ્વિક R&D હબ બનાવવા સ્પેશિયલ રિસર્ચ એન્ડ ઇનોવેશન પાર્ક સ્થાપવાની યોજના છે.
સિનિયર અધિકારીઓના નિવેદનો
ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું કે આ પોલિસી તેમની સેવા દરમિયાનની સૌથી સરળ અને શ્રેષ્ઠ પોલિસી છે. તેમણે કહ્યું કે ગુજરાત ગ્લોબલ ગ્રોથમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને રિસર્ચ-ડેવલપમેન્ટ પર ખાસ ભાર મૂકાયો છે. ગિફ્ટ સિટીમાં ૨૭ હજાર લોકો કાર્યરત છે અને ધોલેરાનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકાર ઉદ્યોગોને રાજ્યમાં જ રોકવા અને નવા રોકાણને સરળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે ૧.૦૫ લાખ અરજીઓનો એક વર્ષમાં નિકાલ કરવામાં આવ્યો છે અને પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ પોલિસી વિકસિત ભારત ૨૦૪૭ ના વિઝનને સાકાર કરતી છે અને ગુજરાત આજે દેશનું ટોપ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે.
એડીશનલ ચીફ સેક્રેટરી મમતા વર્માએ જણાવ્યુ કે ‘ચૂઝ યોર ઇન્સેન્ટિવ’ જેવી નવી પહેલો આ પોલિસીમાં સામેલ છે. MSME માટે નવી વ્યાખ્યા અને રોજગારી આધારિત ઇન્સેન્ટિવ માળખું પણ તૈયાર કરવામાં આવ્યું છે.
