કઈ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન?
વર્ષ ૨૦૨૭ માં આવનારું પૂર્ણ સૂર્યગ્રહણ વૈજ્ઞાનિકો અને જ્યોતિષાચાર્યો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ૨ ઓગસ્ટ, ૨૦૨૭ ના રોજ લાગનારું આ પૂર્ણ સૂર્યગ્રહણ 21મી સદીના સૌથી લાંબા સૂર્યગ્રહણોમાંનું એક ગણાઈ રહ્યું છે. તેની કુલ અવધિ આશરે ૬ મિનિટ ૨૩ સેકન્ડ રહેશે, જેના કારણે વિશ્વભરમાં આ ઘટનાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

સાવચેતી રાખવાનો સમય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યને આત્મવિશ્વાસ, નેતૃત્વ, સન્માન અને જીવનશક્તિનો કારક માનવામાં આવે છે. તેથી સૂર્યગ્રહણને પરિવર્તન અને નવી શરૂઆતના સંકેત તરીકે જોવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આ સમય દરમિયાન કેટલાક લોકોના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સાવચેતી રાખવાનો સમય ગણાશે. ખાસ કરીને સિંહ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે સૂર્ય સિંહ રાશિનો સ્વામી ગ્રહ છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાન ધ્યાન, જપ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવાથી સકારાત્મક ઊર્જામાં વધારો થઈ શકે છે.

દુર્લભ ખગોળીય ઘટના
વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવામાં આવે તો આ એક દુર્લભ ખગોળીય ઘટના છે. ગ્રહણ એટલાન્ટિક મહાસાગરથી શરૂ થઈ સ્પેન, મોરોક્કો, અલ્જીરિયા, લિબિયા, ઇજિપ્ત અને સાઉદી અરબ સહિતના વિસ્તારોમાં સંપૂર્ણ રીતે જોવા મળશે. જોકે ભારતમાં આ પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે નહીં. આ સૂર્યગ્રહણ દરમિયાન ‘બેલી બીડ્સ’ નામની અદભુત ખગોળીય ઘટના પણ જોવા મળશે. ચંદ્રની સપાટી પરના પહાડો અને ખીણોમાંથી પસાર થતી સૂર્યકિરણો મોતી જેવી ઝળહળતી દેખાશે, જે આકાશમાં અદભુત દૃશ્ય સર્જશે. આ રીતે ૨ ઓગસ્ટ, ૨૦૨૭ નું સૂર્યગ્રહણ ખગોળવિજ્ઞાન અને જ્યોતિષ બંને ક્ષેત્રોમાં એક યાદગાર ઘટના બની રહેશે.

વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )

