પંચમહાલ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ વચ્ચે આજે વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાવાગઢ ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક મોટા પથ્થરો ધરાશાયી થતાં ત્યાંથી પસાર થઈ રહેલા યાત્રાળુઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. પથ્થરોમાં દબાઈ જતા ૨ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને યાત્રાળુઓમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલ મુજબ પથ્થરો પડવાની ઘટનામાં અંદાજે ૧૫ જેટલા લોકો અસરગ્રસ્ત બન્યા હતા. કેટલાક યાત્રાળુઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે લગભગ ૫ વાગ્યાના સમયે બનેલી આ ઘટનામાં ત્રણ યાત્રિકો પથ્થરો નીચે દબાયા હોવાની માહિતી પણ સામે આવી છે.

પાવાગઢ પોલીસ પણ સ્થળ પર પહોંચી
સ્થાનિક લોકો, ફાયર બ્રિગેડ, રોપ-વે ટીમ તેમજ અન્ય બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે વરસાદ અને પાણીના વધેલા પ્રવાહ વચ્ચે બચાવ કામગીરી હાથ ધરવી પડકારજનક બની હતી. તેમ છતાં બચાવ ટીમોએ જોખમ વચ્ચે કામગીરી ચાલુ રાખી હતી. ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વરસાદી માહોલને કારણે ડુંગરાળ વિસ્તારોમાં યાત્રાળુઓને ખાસ સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
