જીએસઆરટીસી દ્વારા મુસાફરીની યોજના વધુ સરળ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) દ્વારા મુસાફરોને વધુ સરળ અને સુવિધાજનક સેવા આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વિગતો મુજબ અત્યાર સુધી મુખ્યત્વે એક્સપ્રેસ અને લાંબા રૂટની બસોમાં ઉપલબ્ધ ઓનલાઈન બુકિંગની સુવિધા હવે પસંદગીની લોકલ બસ સેવાઓમાં પણ શરૂ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરોને મોટી રાહત મળશે.

ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા
નવી વ્યવસ્થા હેઠળ ૧૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપતી પસંદગીની લોકલ બસોની ૨,૫૦૦ થી વધુ ટ્રિપ્સ માટે ઓનલાઈન બેઠક આરક્ષણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ મુસાફરોને બસ સ્ટેશન પર લાંબી કતારમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ આપવાનો અને મુસાફરીને વધુ સરળ બનાવવાનો છે.

હવે મુસાફરો જીએસઆરટીસી ની અધિકૃત મોબાઇલ એપ્લિકેશન અથવા જીએસઆરટીસી ની વેબસાઇટ http://gsrtc.in દ્વારા ઘર બેઠા જ પોતાની પસંદગીની બસમાં બેઠક બુક કરી શકશે. ઓનલાઈન બુકિંગથી મુસાફરોને સમયની બચત થશે, સાથે જ મુસાફરી પહેલાં જ બેઠક નિશ્ચિત થઈ જવાથી અનિશ્ચિતતા પણ દૂર થશે.

ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા લોકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને અન્ય મુસાફરો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ડિજિટલ સેવાઓના વધતા ઉપયોગ વચ્ચે જીએસઆરટીસી દ્વારા કરવામાં આવેલી આ પહેલ જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક અને મુસાફરકેન્દ્રિત બનાવવાના પ્રયાસનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે. આ સુવિધાના અમલથી રાજ્યભરના મુસાફરોને વધુ સગવડભરી અને આયોજનબદ્ધ મુસાફરીનો અનુભવ મળશે. ભવિષ્યમાં વધુ રૂટ અને બસ સેવાઓને પણ ઓનલાઈન બુકિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
