સોમવારના શુભ સંયોગમાં કરો આ પૂજા, મળશે અખંડ સૌભાગ્ય

આ વર્ષે સોમવાર અને મૂળ નક્ષત્રનો દુર્લભ સંયોગ આ વ્રતને વધુ ફળદાયી બનાવે છે. પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય અને દાંપત્ય જીવનની સુખાકારી માટે સુહાગિની સ્ત્રીઓ કરશે વ્રત. હિંદુ ધર્મમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાનું અનેરું મહત્વ છે. આ દિવસે સુહાગિની સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારના કલ્યાણ માટે ‘વટસાવિત્રી પૂર્ણિમા’નું વ્રત રાખે છે. મહાભારતના વનપર્વમાં વર્ણવ્યા અનુસાર, સતી સાવિત્રીએ પોતાના પતિવ્રતા ધર્મ, તપ અને અડગ શ્રદ્ધાથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. સ્કંદ પુરાણ, ભવિષ્યોત્તર પુરાણ અને ધર્મસિંધુ જેવા ગ્રંથોમાં પણ આ વ્રતનો મહિમા ગાવામાં આવ્યો છે.

આ વર્ષે કેમ છે વિશેષ સંયોગ?
જાણીતા જ્યોતિષાચાર્ય પાર્થ હરેશભાઈના જણાવ્યા અનુસાર, આવતીકાલે ૨૯ જૂન અને સોમવારના રોજ આવતી વટસાવિત્રી પૂર્ણિમાનું મહત્વ જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે:
સોમવારનો સંયોગ: સોમવાર ભગવાન શિવનો અતિપ્રિય દિવસ છે. માતા પાર્વતીએ શિવજીને પામવા કઠોર તપ કર્યું હતું. આથી આ દિવસે શિવ-પાર્વતીની ઉપાસના સાથે વટસાવિત્રી વ્રત કરવાથી વિવાહમાં આવતી અડચણો દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે.

મૂળ નક્ષત્રનો પ્રભાવ: આ દિવસે મૂળ નક્ષત્ર હોવાથી તેનું આધ્યાત્મિક મહત્વ વધી જાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, મૂળ નક્ષત્રમાં કરેલા જપ, તપ, દાન અને વ્રતથી પૂર્વ કર્મોના દોષોનું શમન થાય છે અને જીવનની અવરોધક શક્તિઓ નાશ પામે છે.
પૂજા વિધિ: વટવૃક્ષનું શું છે મહત્વ?
પૂર્ણિમાના દિવસે ગંગાસ્નાન અથવા તીર્થસ્નાનનું વિશેષ પુણ્ય છે. આ દિવસે વટવૃક્ષ (વડના ઝાડ)ની પૂજા કરવાનું વિધાન છે. શાસ્ત્રો મુજબ વટવૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – એમ ત્રિદેવનો વાસ છે. સુહાગિની સ્ત્રીઓ વટવૃક્ષની પ્રદક્ષિણા કરી તેની ફરતે કાચા સૂતરનો દોરો વીંટાળે છે. ત્યારબાદ સાવિત્રી અને સત્યવાનની કથાનું શ્રવણ કરી અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરવામાં આવે છે.
આજના દિવસે શું દાન કરવું અને કયા મંત્રો જપવા?
વ્રતની પૂર્ણતા અને વિશેષ ફળ પ્રાપ્તિ માટે દાન અને મંત્ર જાપનું મોટું મહત્વ છે.
પુણ્યદાયી દાન:
બ્રાહ્મણો કે જરૂરિયાતમંદોને દક્ષિણા, અન્ન, ફળ, વસ્ત્ર, જળથી ભરેલો કળશ, પંખો અને છત્રીનું દાન કરવું જોઈએ.
ફળદાયી મંત્ર જાપ:
પૂજા દરમિયાન નીચે મુજબના મંત્રોનો જાપ કરવાથી આયુષ્ય, આરોગ્ય અને કુટુંબમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે:
”ૐ નમઃ શિવાય”
”ૐ નમો ભગવતે વાસુદેવાય”
મહામૃત્યુંજય મંત્ર
શ્રદ્ધા અને નિયમપૂર્વક કરાયેલું આ વ્રત સ્ત્રીઓ માટે સંતાનસુખ, અખંડ સૌભાગ્ય અને ઈશ્વરની પરમ કૃપા મેળવવાનો એક પવિત્ર અવસર છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
