નવસારીના ચીખલીમાં ૪ કલાકમાં ૮ ઈંચ, વલસાડમાં જળબંબાકાર, ૩૯ તાલુકામાં મેઘમહેર

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર ગઇકાલે સવારના ૦૬:૦૦ વાગ્યાથી લઈને આજે સવારના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં જૂનાગઢના માંગરોળમાં :૦૦૧૨.૬૪ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ ૧૨.૩૬ ઈંચ વરસાદથી પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે બીજી બાજે મહેસાણાના કડીમાં અડધી રાતે માત્ર બે કલાકના અરસામાં ૮ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે જૂનાગઢના માણાવદરમાં પણ ૯ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજના સવારના ૦૬:૦૦ વાગ્યાથી લેટેસ્ટ આંકડા સામે આવવા લાગ્યા છે. આજે મેઘરાજાએ વલસાડ અને નવસારીનો વારો પાડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર આજે સવારથી જ વલસાડની સાથે નવસારીમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. નવસારીના ચીખલીમાં અત્યાર સુધીમાં માત્ર ચાર કલાકના ગાળામાં ૮.૦૩ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચોરકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વલસાડમાં ૬.૮૯ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. બીજી બાજુ ડાંગમાં ૫.૦૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં વીજળીના કડાકા સાથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કડીમાં રાત્રે ૦૨:૦૦ થી ૦૪:૦૦ વાગ્યાના માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં આશરે ૮ ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતાં સમગ્ર કડી શહેર અને આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

ગઇકાલે જૂનાગઢ અને ગીર સોમનાથ બાદ આજે મેઘરાજાએ જાણે વલસાડ જિલ્લાનો વારો પાડ્યો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના ૦૬:૦૦ વાગ્યાથી ૦૮:૦૦ વાગ્યા સુધીના બે કલાકના ટૂંકા ગાળામાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વલસાડ તાલુકામાં ૬.૧૦ ઈંચ વરસાદ નોંધયો હતો. જ્યારે તેના બાદ ડાંગના ધ ડાંગ તાલુકામાં ૩.૧૧ અને નવસારીના ગણદેવીમાં ૨.૧૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારના બે કલાકમાં અત્યાર સુધીમાં ૨૯ તાલુકામાં મેઘમહેર થઇ ચૂકી છે.

જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર સિવાય તમામ ગુજરાતમાં આજે હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે અનેક જિલ્લાને ઘમરોળ્યા બાદ મેઘરાજાની સવારે આજે ધીમી પડવાની શક્યતા છે. જોકે આ આગાહી સવારના ૦૭:૦૦ ના ૧૦:૦૦ વાગ્યા સુધીના ત્રણ કલાક માટે જ છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ૨ જુલાઈ ૨૦૨૬ ના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારો, સમગ્ર દિલ્હી, ઉત્તર પ્રદેશના બાકીના વિસ્તારો, મધ્યપ્રદેશના મોટાભાગના ભાગો તેમજ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો સુધી આગળ વધ્યું છે. આગામી ૨ થી ૩ દિવસમાં ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે.

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી?
રેડ એલર્ટ: અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ.
યલો એલર્ટ: દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર.
