ચંપત રાયનું મોટું નિવેદન: સત્ય બહાર લાવીશ

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી વિવાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી (મહામંત્રી) પદેથી રાજીનામું આપ્યા બાદ ચંપત રાયે પહેલીવાર મૌન તોડ્યું છે. તેમણે રામભક્તોના નામે એક પત્ર જાહેર કરીને પોતાના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામચરિતમાનસની ચૌપાઈ સાથે આ પત્ર શેર કર્યો છે.

રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાયનું મોટું નિવેદન, કહ્યું- ‘મારા પર ખોટા આક્ષેપો, સત્ય બહાર લાવીશ’

ચંપત રાયે પત્રમાં લખ્યું છે કે, ‘ગત ૦૭ જૂન ૨૦૨૬ થી શ્રીરામ જન્મભૂમિ મંદિર પરિસરના દાનપાત્રની ગણતરી વખતે થયેલી કથિત ચોરીને લઈને અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે. વ્યક્તિગત રીતે મારા પર પણ અનેક ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે, તેથી મેં અત્યારે મૌન ધારણ કરી લીધું છે.’

Image
પોતાના લાંબા જાહેર જીવનનો ઉલ્લેખ કરતા ચંપત રાયે કહ્યું કે, ‘મને સંગઠને વર્ષ ૧૯૯૧ માં અયોધ્યા મોકલ્યો હતો. હું છેલ્લા ૪૫ વર્ષથી પ્રચારક છું. હું જ્યાં પણ રહ્યો છું, મારું જીવન એક ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે.’

દાન ચોરી વિવાદ વચ્ચે ટ્રસ્ટે ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી લીધું છે. હવે ચંપત રાયની જગ્યાએ કૃષ્ણ મોહનને રામ મંદિર ટ્રસ્ટના અંતરિમ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. આ સિવાય મંદિરના રોજબરોજના કામકાજ માટે એક CEOની નિમણૂક કરવામાં આવશે, જેના માટે ૩ સભ્યોની સર્ચ કમિટી બનાવવામાં આવી છે.

વહીવટી ફેરફાર છતાં ટ્રસ્ટે એક પ્રસ્તાવ પસાર કરીને રામ મંદિર આંદોલન અને નિર્માણમાં ચંપત રાયના ઐતિહાસિક યોગદાનની પ્રશંસા કરી છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે, ‘તપાસ પારદર્શક રહે અને ટ્રસ્ટની ગરિમા જળવાય તે માટે ચંપત રાયે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, અમારી નજરમાં તેઓ બિલકુલ બેદાગ અને નિર્દોષ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *