લાંબા સમયથી ચર્ચામાં રહેલા ગુજરાતના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે આજે સૂરજ ભુવા સહિત પાંચ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જ્યારે ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે.લાંબા સમયથી ચર્ચામાં રહેલા કેસમાં આખરે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ચુકાદા બાદ ધારાના પરિવારે કોર્ટનો આભાર માની ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો છે.

આજીવન કેદની સજા પામેલા આરોપીઓના નામ
૧. સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભૂવાજી (મુખ્ય સૂત્રધાર અને ધારાનો લિવ-ઈન પાર્ટનર)
૨. ગુંજન જોષી (સૂરજનો મિત્ર, જેના પર અગાઉ ધારાએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી)
૩. મીત શાહ (સૂરજનો મિત્ર, જેણે કારમાં ધારાનું ગળું દબાવ્યું હતું)
૪. યુવરાજ સોલંકી (સૂરજ ભૂવાજીનો સગા ભાઈ)
૫.મુકેશ સોલંકી (સૂરજ ભૂવાજીના કાકા, જેમણે લાશ સળગાવવામાં મદદ કરી હતી)
નિર્દોષ છૂટેલા આરોપીઓના નામ
૧. સંજય સોહેલિયા (સૂરજના કાકા સસરા, જેમણે પોલીસને ગેરમાર્ગે દોરવા ધારાનો દુપટ્ટો ઓઢ્યો હતો)
૨. મોનાબેન શાહ (મીત શાહના વૃદ્ધ માતા, જેમણે ધારાના કપડાં પહેરી ઘરેથી નીકળવાનો ઢોંગ કર્યો હતો)
૩. જુગલ શાહ (મીત શાહનો ભાઈ, જેના નામે નકલી સિમ કાર્ડ લેવાયા હતા અને જેણે ધારા ગુમ થયાનો ડોળ કર્યો હતો)

જૂનાગઢમાં રહેતો સૂરજ સોલંકી નામનો શખસ લોકોને દોરા-ધાગા અને વિધિ કરી આપતો હોવાથી ‘ભૂવાજી’ તરીકે ઓળખાતો હતો. સૂરજ પોતે પરિણીત અને બે સંતાનોનો પિતા હોવા છતાં, સોશિયલ મીડિયાના માધ્યમથી ૨૨ વર્ષીય ધારા કડીવારના સંપર્કમાં આવ્યો હતો. સંબંધો વધતા બંને જૂનાગઢમાં ભાડે મકાન રાખીને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પરંતુ, સમય જતાં બંને વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા. ધારા મોજશોખ માટે સૂરજ પાસે રૂપિયા માંગતી અને સૂરજ જ્યારે પોતાના પરિવારને મળવાની વાત કરતો ત્યારે પણ બંને વચ્ચે વિવાદ થતો હતો. ફેબ્રુઆરી ૨૦૨૨ માં ઝઘડો ઉગ્ર બનતા ધારાએ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં સૂરજ અને તેના મિત્ર ગુંજન જોષી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જોકે, બાદમાં સમાધાન થતાં તેઓ ફરી સાથે રહેવા લાગ્યા હતા, પરંતુ દુષ્કર્મનો કેસ ચાલુ હોવાથી સૂરજ ધારાથી કાયમ માટે છુટકારો મેળવવાનું કાવતરું ઘડી રહ્યો હતો.

૩૦ લાખની ઓફર અને ધારાને ખતમ કરવાનો ડબલ પ્લાન
સૂરજ અને ગુંજન જોષી દુષ્કર્મનો કેસ રદ કરવા અને સૂરજની જિંદગીમાંથી દૂર થવા બદલ ધારાને ૩૦ લાખ રૂપિયા આપવા તૈયાર હતા. જો ધારા રૂપિયા લઈને પણ પીછો ન છોડે તો તેની હત્યા કરી નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જૂન ૨૦૨૨ માં અમદાવાદમાં રોકાયા બાદ સૂરજ, ગુંજન અને મીત શાહે જૂનાગઢમાં એક મિટિંગ કરી હતી, જેમાં પ્લાન A (રૂપિયા આપી છુટકારો મેળવવો) અને પ્લાન B (હત્યા કરવી) તૈયાર કરાયા હતા. ૧૯ જૂન ૨૦૨૨ ના રોજ સૂરજે હાઈકોર્ટમાં કેસ રદ કરવાના બહાને ધારાને અમદાવાદ જવા માટે તૈયાર કરી. રસ્તામાં ચોટીલા નજીક સૂરજ ધારાને વકીલની ફી આપવાના બહાને પોતાની વાડીએ લઈ ગયો. ત્યાં જ્યારે સૂરજના મિત્ર સંજયે ધારાને રૂપિયા લઈને દૂર થઈ જવા કહ્યું ત્યારે ધારા ગુસ્સે થઈ ગઈ અને અપશબ્દો બોલવા લાગી. આ સાથે જ પ્લાન A નિષ્ફળ જતાં આરોપીઓએ તુરંત પ્લાન B એક્ટિવ કર્યો અને મીત શાહે દુપટ્ટાથી ગળું દબાવી તેમજ અન્ય સાથીદારોની મદદથી ધારાની હત્યા કરી નાખી.

લાશ સળગાવી અને પોલીસને ગોથે ચડાવવા રચાયો અસલી ખેલ
હત્યા બાદ ધારાના મૃતદેહને વાડીની ઓરડીમાં રાખવામાં આવ્યો અને સૂરજના કાકા મુકેશ સોલંકીને બોલાવાયા. ત્યારબાદ ગુંજન, યુવરાજ અને મુકેશે વાડીએ ઘાસ, લાકડા અને પેટ્રોલ છાંટી ધારાના મૃતદેહને સળગાવી દીધો. બીજી તરફ, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ફિલ્મી પટકથા તૈયાર કરાઈ. સૂરજે અમદાવાદના જીવરાજ પાર્કમાં રહેતા તેના કાકા સસરા સંજય સોહેલિયાને સનાથલ સર્કલ બોલાવ્યા અને ગાડીમાં ધારાનો દુપટ્ટો ઓઢી બેસવા કહ્યું જેથી સીસીટીવીમાં ધારા જીવતી હોય તેવું લાગે. ત્યારબાદ, અમદાવાદમાં મીત શાહની વૃદ્ધ માતા મોનાબેન શાહે સવારે ૨૨ વર્ષની ધારાના કપડાં પહેરીને ઘરેથી બહાર નીકળવાનો ઢોંગ કર્યો. ધારાના મોબાઈલમાંથી મુંબઈ જઈને ગુંજને સૂરજના ફોન પર મેસેજ કર્યા કે ‘હું મુંબઈ આવી ગઈ છું અને તારી સાથે રહેવા નથી માંગતી’ અને ત્યારબાદ મોબાઈલ તોડી નાખી પુરાવાનો નાશ કર્યો.
ગુમ થયાની અરજી દાખલ થઈ
આરોપીઓ જાતે જ પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ધારા રૂપિયા તથા મોબાઈલ લઈને ગુમ થઈ હોવાની અરજી આપી ચેટના પુરાવા બતાવ્યા. મહિનાઓ સુધી પોલીસ આ વાત સાચી માની બેસી રહી. બીજી તરફ, ધારાના ભાઈ મીત કડીવારે બહેનનો ફોન બંધ આવતા શોધખોળ શરૂ કરી હતી. સૂરજે મીત કડીવારને પણ ધારા સાથેની નકલી ચેટ બતાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ અને જૂનાગઢ પોલીસમાં અરજી કરવા છતાં પણ બહેનની કોઈ ભાળ ન મળતાં આખરે મીત કડીવારે નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૨ ના ગાળામાં હાઈકોર્ટમાં ‘હેબિયર્સ કોપર્સ’ પિટિશન દાખલ કરી. આ કાનૂની પગલાં બાદ અમદાવાદ પોલીસે આ કેસની તપાસ અત્યંત કડકાઈથી અને નવેસરથી શરૂ કરી હતી.
![]()
કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
હત્યાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં તપાસ કરનાર પીએસઆઈ વિરમભાઈ પરમાર અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ધારાની કોઈ ગતિવિધિ ન જણાતાં શંકા દ્રઢ બની. પોલીસે શંકાસ્પદ લોકોના કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR) મેળવ્યા અને શંકાસ્પદોના નિવેદનો લીધા. અલગ-અલગ નિવેદનોમાં વિરોધાભાસ જણાતાં પોલીસે કડકાઈથી પૂછપરછ કરી, જેમાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરી લીધી. આ ચકચારી કેસ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ચાલતા કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય સૂત્રધાર સૂરજ ભૂવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે, જ્યારે પુરાવાના અભાવે ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

