રાહુલની ટીંગાટોળી કરી અટકાયત

દિલ્હીમાં પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વાયનાડ સાંસદ પ્રિયંકા ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના આગેવાનો 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ આવાસ નજીક ધરણા પર બેસી ગયા છે. વિપક્ષી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન બહાર ચાલી રહેલા ધરણાં ભારે હોબાળો જોવા મળ્યો છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં પોલીસ અખિલેશ યાદવને ખેંચીને સ્થળ પરથી લઈ જતી દેખાઈ રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જતી જોવા મળી રહી છે..
દિલ્હી ખાતે LJP સાંસદ અરુણ ભારતીએ જણાવ્યું હતું કે, વિપક્ષ સંસદમાં સરકારની નીતિઓ સામે પોતાનો અવાજ ઉઠાવી શકે છે. જોકે, વડાપ્રધાનના આવાસ બહાર વિરોધ પ્રદર્શન કરવું એ દર્શાવે છે કે તેઓ માત્ર ડ્રામા કરવા માંગે છે.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમનું પ્રદર્શન ચાલુ જ રહેશે.
CJP પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે તેઓ આશુતોષ રાંકા અને દીપક બાલિયાન સાથે રાત્રે 8 વાગ્યે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે.
રાહુલ ગાંધીની યુવાઓને અપીલ : પીએમ આવાસ બહાર ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર સામે હુમલો બોલ્યો છે. તેમણે લખ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદીને લાગે છે કે તેઓ જવાબ આપ્યા વિના અને કોઈ પરિણામ ભોગવ્યા વિના બચી જશે, પરંતુ તેઓ એવું નહીં કરી શકે, આ વખતે તો બિલકુલ નહીં.’ દેશવાસીઓને સમર્થન આપવા અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે, ‘હું એ દરેક દેશભક્ત ભારતીયને અપીલ કરું છું જેઓ માને છે કે આપણા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ – તેઓ વડાપ્રધાન આવાસ સામે આપણા ધરણામાં જોડાય. ભારતના વિદ્યાર્થીઓના અવાજને નજરઅંદાજ કરી શકાય નહીં.’
આપ રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે જંતર-મંતર પર પ્રદર્શન સ્થળની મુલાકાત લીધી હતી. પ્રદર્શનકારીઓને સંબોધતા તેમણે કહ્યું કે, ‘મોદીજીને પોતાના સંતાનો નથી, એટલે તેમને બાળકની કિંમત શું હોય તેની ખબર નથી. આ તમામ આપણા બાળકો છે અને બાળકોને આ રીતે મારવા યોગ્ય નથી.’ વિદ્યાર્થીઓ પર એફઆઈઆર નોંધવા અંગે તેમણે ઉમેર્યું હતું કે, ‘હું વિદ્યાર્થીઓને મક્કમ રહેવા કહેવા માંગુ છું, કારણ કે મોટામાં મોટા સરમુખત્યારને પણ જનતા સામે ઝૂકવું જ પડે છે.’
પ્રદર્શનમાં કેરળના વિરોધ પક્ષના નેતા વી.ડી. સતીશન અને કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પણ જોડાયા છે.
દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શનમાં વિપક્ષી નેતાઓની હાજરી સતત વધી રહી છે. શરદ પવાર બાદ હવે અરવિંદ કેજરીવાલ પણ જંતર-મંતર પહોંચીને પ્રદર્શનકારીઓને મળ્યા હતા.
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં વંચિત બહુજન આઘાડીએ 23 જુલાઈએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. પક્ષપ્રમુખ પ્રકાશ આંબેડકરે તમામ નાગરિકો અને સંગઠનોને શાંતિપૂર્ણ બંધમાં જોડાવા અપીલ કરી છે.