અમેરિકામાં ફરી એકવાર સામૂહિક ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. ઇડાહો રાજ્યના ટ્વિન ફોલ્સ શહેરમાં આવેલા એક વ્યસ્ત શોપિંગ વિસ્તારમાં શનિવારે બપોરે અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને ઠાર માર્યો હતો.

શોપિંગ વિસ્તારમાં અચાનક શરૂ કર્યો ગોળીબાર
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ ૦૨:૩૦ વાગ્યે બની હતી. ટ્વિન ફોલ્સના લોકપ્રિય ઇન એન્ડ આઉટ બર્ગર રેસ્ટોરન્ટ નજીક આવેલા શોપિંગ વિસ્તારમાં હુમલાખોરે અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. ગોળીબાર થતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને લોકો જીવ બચાવવા માટે દોડધામ કરવા લાગ્યા.
પોલીસે હુમલાખોરને ઠાર માર્યો
માહિતી મળતા જ પોલીસ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હુમલાખોર સામે કાર્યવાહી કરતાં તેને ઠાર માર્યો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

તપાસ શરૂ
પોલીસ હાલ હુમલાખોરની ઓળખ, હુમલાનું કારણ અને ઘટનાની સંપૂર્ણ પરિસ્થિતિ અંગે તપાસ કરી રહી છે. અધિકારીઓએ મૃતકો અને ઘાયલોની સત્તાવાર સંખ્યા અંગે તપાસ પૂર્ણ થયા બાદ વધુ માહિતી જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
