કિરણ રિજિજૂ…અમે રાજનીતિક વિરોધી છીએ, દુશ્મન નથી

કિરણ રિજિજુએ કહ્યું – અમે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો સાથે સતત વાતચીત અને સંકલન ઇચ્છીએ છીએ. આપણે રાજકીય હરીફ હોઈ શકીએ છીએ, પરંતુ દુશ્મન નથી. એટલા માટે આપણે સાથે મળીને રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ સોમવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે ગૃહની સુચારુ કામગીરી અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ લગભગ ૫૦ મિનિટ સુધી વાતચીત કરી હતી, જેમાં તેમણે સંસદમાં ચાલી રહેલી મડાગાંઠ, વિપક્ષની માંગણીઓ અને સરકારના કાયદાકીય એજન્ડા પર ચર્ચા કરી હતી.
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કિરણ રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધી સાથે તેમની સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. તેમણે માહિતી આપી હતી કે કોઈ ચોક્કસ મુદ્દા પર વિનંતીઓ કરવા ઉપરાંત અન્ય વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

અમે રાજકીય હરીફ છીએ, દુશ્મન નથી
કિરણ રિજિજુએ કહ્યું કે અમે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો સાથે સતત વાતચીત અને સંકલન ઇચ્છીએ છીએ. આપણે રાજકીય હરીફ હોઈ શકીએ છીએ, પરંતુ દુશ્મન નથી. એટલા માટે આપણે સાથે મળીને રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે વિપક્ષ એવું વાતાવરણ ઊભું કરી રહ્યું છે જ્યાં સંસદ કામ ન કરે. જો સંસદ નહીં ચાલે તો આખરે તેનું નુકસાન કોને થશે.

સીમાંકન બિલ પર પણ ચર્ચા કરવામાં આવી
રાહુલ ગાંધી અને કિરણ રિજિજુ વચ્ચે સૂચિત સીમાંકન બિલ ઉપર પણ ચર્ચા થઈ હતી. સરકાર આ મુદ્દે વિવિધ રાજકીય પક્ષોને સહમત કરાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી તેને ચાલુ ચોમાસુ સત્રમાં જ રજૂ કરી શકાય. જોકે કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી સીમાંકન વિધેયકના હાલના સ્વરૂપને સમર્થન આપ્યું નથી. રાહુલ ગાંધીએ સંકેત આપ્યો છે કે આ પ્રસ્તાવ પાર્ટીને સ્વીકાર્ય નથી. આંતરિક ચર્ચા બાદ જ પાર્ટી પોતાનું સત્તાવાર વલણ સ્પષ્ટ કરશે.
રિજિજુએ કહ્યું કે રાજ્યસભામાં વિગતવાર ચર્ચા બાદ બિલ પસાર કરવામાં આવી રહ્યા છે અને મોટાભાગના સાંસદો ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અને તેના કેટલાક સાથી પક્ષો વોકઆઉટ કરી રહ્યા છે અથવા હોબાળો મચાવી રહ્યા છે, પરંતુ તેનાથી સૌથી વધુ નુકસાન કોંગ્રેસના નવા સાંસદોને થઈ રહ્યું છે, કારણ કે તેમને ગૃહમાં બોલવાની તક મળી રહી નથી.

રિજિજુ અને ખડગે વચ્ચે રકઝક
ગૃહમંત્રીની ગેરહાજરીને લઈને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કિરણ રિજિજુ વચ્ચે પણ રકઝક થઈ હતી. રિજિજૂએ કહ્યું કે વિપક્ષ એ નક્કી ના કરી શકે કે ગૃહમાં કયા મંત્રી હાજર રહેશે. તેમણે કહ્યું કે જે મંત્રીનું બિલ ગૃહમાં વિચારણા હેઠળ છે સામાન્ય રીતે તે ગૃહમાં હાજર હોય છે.

