સંવેદનશીલ માહિતી લીક કરવાનો આરોપ

વાયુસેનાના એક વિંગ કમાન્ડરની હનીટ્રેપ અને જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે અધિકારીએ પાકિસ્તાની ગુપ્તચર તંત્રના સંપર્કમાં આવીને સંરક્ષણ સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરી હતી. દિલ્હી પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી વિંગ કમાન્ડર એક ફિલ્ડ યુનિટમાં તૈનાત હતા. સોશિયલ મીડિયા મારફતે એક મહિલા સાથે તેમની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ વીડિયો કોલ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો. આરોપ છે કે મહિલાએ તેમની પાસેથી વાયુસેનાની હિલચાલ, સૈનિકોની તૈનાતી તથા અન્ય સંવેદનશીલ માહિતી માગી હતી. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, વિંગ કમાન્ડરે કથિત રીતે ડિજિટલ માધ્યમો દ્વારા સંવેદનશીલ દસ્તાવેજો, ફોટા, વીડિયો અને અન્ય માહિતી મોકલી હતી. અધિકારી પર એક સાથીદારના મોબાઇલ ફોનમાં ડેટા ચોરી માટેનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે.

૩૧ મેની રાત્રે ધરપકડ : આઈએએફ ની ગુપ્તચર શાખા તરફથી દિલ્હી પોલીસને મળેલા ચોક્કસ ઇનપુટ બાદ ૩૧ મેની રાત્રે વિંગ કમાન્ડરની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

આઈએએફ નું શૂન્ય સહિષ્ણુતાનું વલણ : વાયુસેનાએ આવી પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહિષ્ણુતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આઈએએફ ના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા અધિકારી પર સક્રિય નજર રાખવામાં આવી રહી હતી અને યોગ્ય કાયદા અમલીકરણ એજન્સીને સોંપ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી. આઈએએફ એ સ્પષ્ટ કર્યું છે કે સંવેદનશીલ માહિતી લીક કરવી કે સત્તાવાર ગુપ્તતા સંબંધિત નિયમોનો ભંગ કરવો ગંભીર ગુનો છે અને આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
