કપલ અલગ-અલગ જમે તો સંબંધ પર શું અસર પડી શકે
/indian-express-gujarati/media/media_files/2026/08/19/what-is-food-divorce-couple-relationship-lifestyle-trend-2026-08-19-15-23-13.jpg)
ફૂડ ડિવોર્સ’નો અર્થ છૂટાછેડા નથી. અલગ ડાયટ, ખાવાની પસંદગી અથવા વ્યસ્ત શેડ્યૂલને કારણે સાથે રહેતા કપલ અલગ ભોજન ખરીદે, બનાવે અને જમે તેવી વ્યવસ્થાને આ નામ આપવામાં આવ્યું છે. નિષ્ણાતના મતે વારંવારના ખોરાક સંઘર્ષો પાછળ સ્વતંત્રતા, અવગણના અથવા રોષ જેવા સંબંધના ઊંડા મુદ્દા પણ હોઈ શકે છે.
/indian-express-gujarati/media/media_files/2026/08/25/food-divorce-couples-eating-separately-relationship-2026-08-25-12-05-15.jpg)
પતિ-પત્ની કે કપલ માટે ભોજન માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી. સાથે બેસીને જમવું ઘણીવાર સંબંધની રોજિંદી લયનો એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે. દિવસભર શું થયું તેની વાત કરવી, એકબીજાની સાથે થોડો સમય પસાર કરવો અને વ્યસ્ત જીવન વચ્ચે ફરી જોડાવાની તક આ બધું ડાઇનિંગ ટેબલ પર જ બનતું હોય છે.

પરંતુ જ્યારે બંને પાર્ટનરની ખાવા-પીવાની પસંદગી, ડાયટ અથવા સમય એકબીજાથી તદ્દન અલગ હોય ત્યારે આ જ ભોજન મતભેદનું કારણ પણ બની શકે છે. આ સ્થિતિ માટે હવે ‘ફૂડ ડિવોર્સ’ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે.

ફૂડ ડિવોર્સ નામ સાંભળીને લગ્નજીવનમાં છૂટાછેડાની વાત લાગે, પરંતુ તેનો અર્થ ખરેખર સંબંધ તોડી નાખવાનો નથી.

ફૂડ ડિવોર્સ એટલે શું?

ફૂડ ડિવોર્સ એવી વ્યવસ્થા છે જેમાં સાથે રહેતા કપલ અલગ-અલગ ખાદ્યપદાર્થોની ખરીદી કરે, પોતાનું ભોજન અલગ બનાવે અને ઘણીવાર અલગ જમે પણ છે. તેની પાછળ બંનેની અલગ ડાયટ, વ્યસ્ત શેડ્યૂલ અથવા ખાવા-પીવાની જુદી પસંદગી જવાબદાર હોઈ શકે છે.

ઉદાહરણ તરીકે, એક પાર્ટનર વધુ પ્રોટીનવાળી અથવા વજન ઘટાડવા માટેની ડાયટ ફોલો કરતો હોય, જ્યારે બીજાને સામાન્ય અથવા તદ્દન અલગ પ્રકારનું ભોજન પસંદ હોય. આવી સ્થિતિમાં દરરોજ બંને માટે એકસરખું ભોજન બનાવવું મુશ્કેલ બની શકે છે.
ફિટનેસ, વજન નિયંત્રણ અને ખાવાની બદલાતી આદતો પણ આ ટ્રેન્ડને અસર કરી રહી છે. એક વ્યક્તિ શાકાહારી અને બીજી માંસાહારી હોઈ શકે છે. કોઈ ખાસ નિયંત્રિત ડાયટ પર હોય, બંનેની ભૂખ લાગવાનો સમય અલગ હોય અથવા કામના વ્યસ્ત શેડ્યૂલને કારણે એક જ સમયે જમવાનું શક્ય ન બને.

પરિણામે સાથે રહેતા હોવા છતાં કપલ એક જ સમયે એકસરખું ભોજન લેવાનું બંધ કરી શકે છે.
અલગ જમવાથી ઝઘડા ઓછા થઈ શકે, પરંતુ કેટલાક કપલ માટે અલગ ભોજન બનાવવું અને જમવું વ્યવહારુ ઉકેલ બની શકે છે. તેનાથી રોજેરોજ “આજે શું બનાવવું?”, “મારે આ નથી ખાવું” અથવા “તમે મારી ડાયટનું ધ્યાન નથી રાખતા” જેવા મતભેદ ઘટી શકે છે.
પરંતુ અહીં એક બીજો સવાલ ઊભો થાય છે કે, સાથે જમવાથી સંબંધમાં જે ભાવનાત્મક જોડાણ બને છે તેનું શું? આ પ્રશ્ન ભારતમાં ખાસ મહત્ત્વનો છે, કારણ કે અહીં પરિવાર સાથે બેસીને ભોજન કરવાનું પરંપરાગત રીતે પારિવારિક જોડાણ સાથે સંકળાયેલું રહ્યું છે.
તેથી જો ભોજન જ પાર્ટનર વચ્ચે વારંવાર મતભેદનું કારણ બનતું હોય તો અલગ-અલગ meal routine બનાવવું સ્વસ્થ સમાધાન છે કે પછી ધીમે-ધીમે તે ભાવનાત્મક અંતર વધારી શકે છે? ખાવાને લઈને વારંવાર ઝઘડો થાય તો સમસ્યા માત્ર ભોજનની ન પણ હોય
કાઉન્સેલિંગ સાઇકોલોજિસ્ટ અથુલ રાજના જણાવ્યા મુજબ જો ખાવા-પીવાની બાબત વારંવાર ઝઘડાનું કારણ બનતી હોય તો માત્ર ભોજનને જોવાને બદલે તેની પાછળ રહેલી લાગણીઓને પણ સમજવી જરૂરી છે.
તેમણે indianexpress.comને જણાવ્યું કે, જ્યારે ભોજન વારંવાર સંઘર્ષનું કારણ બને ત્યારે હું માત્ર ખોરાકને જ નહીં જોઉં. બહારથી ભોજન મંગાવવું, મોડું જમવું અથવા કોઈ ચોક્કસ ડાયટ ફોલો કરવાને લઈને થતી દલીલની પાછળ ઘણીવાર તદ્દન અલગ લાગણી હોઈ શકે છે.
એક પાર્ટનરને એવું લાગી શકે છે કે તેની પસંદગીનું ધ્યાન રાખવામાં આવતું નથી, જ્યારે બીજાને એવું લાગી શકે કે તેની પસંદગીને લઈને તેને સતત જજ કરવામાં આવે છે, તેના પર નજર રાખવામાં આવે છે અથવા તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ખોરાક સાથે લાગણીઓનું જોડાણ
અથુલ રાજના જણાવ્યા મુજબ ખોરાક માત્ર સ્વાદ કે પોષણ સાથે જોડાયેલો નથી. તે આરામ, બાળપણથી ચાલતી પારિવારિક આદતો અને આપણને કાળજી કે પ્રેમનો અનુભવ કેવી રીતે કરાવવામાં આવ્યો છે તેની સાથે પણ જોડાયેલો હોય છે. આ કારણે ભોજન અંગેની કોઈ વાત પર વ્યક્તિ પોતાની ધારણા કરતાં પણ વધુ તીવ્ર ભાવનાત્મક પ્રતિક્રિયા આપી શકે છે.
જો દરેક વખતે ખાવાની વસ્તુ બદલાય છતાં ઝઘડો અને તેની પાછળ રહેલી નિરાશા એકસરખી જ રહે, તો સમસ્યા વધુ ઊંડી હોઈ શકે છે. તેની પાછળ એકબીજાની પસંદગીનું ધ્યાન ન રાખવું, વ્યક્તિગત સ્વતંત્રતા અથવા મનમાં રહેલો રોષ જેવા મુદ્દા હોઈ શકે છે.
નિષ્ણાતના મતે અહીં મૂળ પ્રશ્ન એ છે કે શું બે લોકોની પસંદગી અલગ હોવા છતાં તેઓ એકબીજાને પોતાની પસંદગી માટે ખોટા હોવાનો અનુભવ કરાવ્યા વિના સાથે રહી શકે છે?
એટલે ફૂડ ડિવોર્સ પોતે જ સંબંધ માટે સારો કે ખરાબ છે એવો સીધો જવાબ નથી. અલગ ડાયટ કે શેડ્યૂલને કારણે અલગ ભોજન બનાવવું વ્યવહારુ વ્યવસ્થા બની શકે છે. પરંતુ જો તેની સાથે વાતચીત, સાથે વિતાવતો સમય અને એકબીજાની પસંદગી પ્રત્યેનો આદર પણ ઘટવા લાગે, તો મુદ્દો માત્ર ભોજન સુધી મર્યાદિત ન રહી શકે.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર

ડિસ્ક્લેમર: આ લેખ માં વિશ્વ સમાચાર એ જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને અમે જે નિષ્ણાતો સાથે વાત કરી તેમની પાસેથી મળેલી માહિતી પર આધારિત છે. કોઈપણ નવી હેલ્થ અથવા ડાયટ રૂટિન શરૂ કરતાં પહેલાં તમારા આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.