આધુનિક અને ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધી રહ્યો છે. હવે જ્યોતિષશાસ્ત્રમાં પણ AI આધારિત કુંડળી, રાશિફળ અને ગ્રહોની ગણતરી કરતા પ્લેટફોર્મ્સ લોકપ્રિય બની રહ્યા છે. પરંતુ શું AI ભવિષ્યમાં માનવીય જ્યોતિષીની જગ્યા લઈ શકે?
ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ
જ્યોતિષશાસ્ત્રના મુખ્યત્વે બે ભાગ છે—ગણિત અને જાતક. ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ, જન્મકુંડળી, મહાદશા, ગોચર અને અષ્ટકવર્ગ જેવી જટિલ ગણતરીઓમાં AI ઝડપથી ડેટા પ્રોસેસ કરીને ઉપયોગી રિપોર્ટ આપી શકે છે. જન્મતારીખ, સમય અને સ્થળ જેવી વિગતોના આધારે સેકન્ડોમાં ગણતરી કરવી AIની મોટી તાકાત છે. પંડિતના મતે AI સંપૂર્ણપણે ડેટા અને પેટર્ન પર આધારિત છે. વ્યક્તિના સંબંધો, કૌટુંબિક પરિસ્થિતિઓ અને ભાવનાત્મક મૂંઝવણ જેવી બાબતોનું સંદર્ભસભર અર્થઘટન કરવાની તેની મર્યાદા હોઈ શકે છે. તેથી AI દ્વારા મળતી જ્યોતિષીય માહિતીનો ઉપયોગ સામાન્ય જાણકારી અથવા મનોરંજન તરીકે કરવો વધુ યોગ્ય ગણાય છે.
માહિતી શેર કરતી વખતે પણ સાવચેતી
તેમણે AI પ્લેટફોર્મ પર વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે પણ સાવચેતી રાખવાની સલાહ આપી છે. નામ, જન્મની વિગતો અને લોકેશન જેવી માહિતી માત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ પર જ આપવી જોઈએ.તેમના મતે AI જ્યોતિષના ગણિત અને ડેટા પ્રોસેસિંગ માટે ઉપયોગી સાધન બની શકે છે, પરંતુ માનવીય અનુભવ, સંવેદના અને વ્યક્તિગત માર્ગદર્શનને સંપૂર્ણપણે બદલી શકશે કે નહીં તે અંગે હજુ ચર્ચા ચાલુ છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર

