કાર, બાઈક અને રિક્ષા અથડાતાં ૩ નાં મોત, ૫ બાળકો સહિત ૭ ઈજાગ્રસ્ત

જામનગર-લાલપુર હાઈવે પર ચેલા ગામ નજીક શ્રાવણ માસના સોમવારે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, બાઈક અને રિક્ષા વચ્ચે થયેલા આ અકસ્માતમાં રિક્ષાચાલક વૃદ્ધ સહિત બાઈક પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કુલ ત્રણ લોકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
ચાર જેટલી એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી
મળતી માહિતી મુજબ, શ્રાવણ માસના સોમવારે ભોળેશ્વરથી પરત ફરતી વખતે ચેલા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. કાર, બાઈક અને રિક્ષા વચ્ચે અચાનક ટક્કર થતાં અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ લોકોના જીવ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્મતમાં પાંચ બાળકો અને બે મહિલાઓ સહિત કુલ સાત લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે લગભગ ચાર જેટલી એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી.
અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. એકસાથે ત્રણ લોકોના મોત અને અનેક લોકોને ઈજા પહોંચતાં પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની ચોક્કસ કારણો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
