વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને સુરક્ષાની સ્થિતિ વચ્ચે બંને નેતાઓ વચ્ચેની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત છે. જોકે બંને નેતાઓ મધ્ય પૂર્વની પરિસ્થિતિને લઈને ફોન પર સંપર્કમાં છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સી તસ્નીમના જણાવ્યા અનુસાર આ બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની સમીક્ષા કરી હતી અને બંને દેશોના હિતના ક્ષેત્રોમાં ઈરાન અને ભારત વચ્ચે સંયુક્ત સહયોગને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો મુદ્દો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો મુદ્દો ભારત સહિત દુનિયાના અનેક દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એક મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે તથા ભારતની તેલ અને ઊર્જાની પાંચમા ભાગની જરૂરિયાતો પૂરો પાડે છે.
ઇરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથેની તેમની અગાઉની ટેલિફોનિક વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ ભારતની સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો કે તમામ મુદ્દાઓને વાતચીત અને ફૂટનીતિ દ્વારા ઉકેલવા જોઈએ. વડા પ્રધાને કહ્યું હતું કે ઈરાન સહિત ક્ષેત્રમાં ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા ભારતની પ્રાથમિકતા છે.
બિશ્કેક જવા રવાના થતા પહેલા ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ઈરાન યુદ્ધ ઇચ્છતું નથી પરંતુ કોઈપણ આક્રમણનો જવાબ મજબૂતીથી આપશે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં અસ્થિરતા તમામ દેશો માટે હાનિકારક છે.

નિકોલ પાશિન્યાન સાથે મુલાકાત
આ પહેલા વડા પ્રધાન મોદીએ તેમના આર્મેનિયાના સમકક્ષ નિકોલ પાશિન્યાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ રક્ષા, અર્થતંત્ર, ફાર્મા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાની રીતો પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા આર્મેનિયા સાથે મળીને કામ કરવા આતુર છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર

