ગૌતમ ગંભીર નહીં પણ આ દિગ્ગજ બનશે હેડ કોચ, શ્રેયસ અય્યર કેપ્ટન
જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે ભારતીય ક્રિકેટ ટીમે તૈયારીઓ તેજ કરી દીધી છે. ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. જોકે, ટીમના નિયમિત હેડ કોચ ગૌતમ ગંભીર ટીમ સાથે જાપાન જશે નહીં. એશિયન ગેમ્સ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારતની મલ્ટી-ફોર્મેટ સીરિઝની તારીખો એકબીજા સાથે ટકરાઈ રહી છે, જેના કારણે ભારતીય ક્રિકેટ ટીમે એકસાથે બે અલગ મોરચે મેદાનમાં ઉતરવું પડશે. મુખ્ય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે, જ્યારે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની બીજી ટીમ એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

ગૌતમ ગંભીર ની ગેરહાજરીમાં પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ હેડ કોચની જવાબદારી સંભાળશે. પીટીઆઈના અહેવાલ મુજબ, લક્ષ્મણની સાથે સુનીલ જોશી, ઋષિકેશ કાનિટકર અને શુભદીપ ઘોષ સપોર્ટ સ્ટાફનો ભાગ બનશે. આ ઉપરાંત મારુફ ફજંદર સપોર્ટ સ્ટાફ લીડરની ભૂમિકા નિભાવશે. ભારતીય ટીમમાં ઘણા સ્ટાર ટી-૨૦ ખેલાડીઓ સામેલ હોવાથી ભારતને ગોલ્ડ મેડલનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે.
એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સ બાદ ક્રિકેટ ટીમનો સપોર્ટ સ્ટાફ સૌથી મોટો હશે. સારી રેન્કિંગના કારણે ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજના મુકાબલા રમવાની જરૂર નહીં પડે અને તેને સીધો જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે.

શ્રેયસ અય્યર બ્રિગેડ ટુર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઇનલ રમશે, જે એશિયન ગેમ્સ ૨૦૨૬ માં ભારતનો પ્રથમ મેચ હશે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ઉતરશે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ સીધા જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. જોકે, આ ટીમો સામે કઈ ટીમ ટકરાશે તેનો નિર્ણય ગ્રુપ મેચો બાદ લેવાશે.

ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું ઉત્તમ સંતુલન જોવા મળે છે. કેપ્ટન ઉપરાંત અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓ બેટિંગ વિભાગને મજબૂત બનાવે છે. ઓલરાઉન્ડર તરીકે શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર હાજર રહેશે. સ્પિન વિભાગની કમાન વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈ સંભાળશે, જ્યારે ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.

આઈપીએલ અને ઘરેલુ ક્રિકેટમાં તોફાની બેટિંગથી ચર્ચામાં આવેલા ૧૫ વર્ષીય યુવા ખેલાડી પર સૌની નજર ટકેલી રહેશે. તેને એશિયન ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું કૌશલ્ય સાબિત કરવાની સુવર્ણ તક મળશે.
આ ટીમમાં એવા અનેક ખેલાડીઓ સામેલ છે જેઓ માત્ર થોડી જ ઓવરોમાં મેચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ ભારતને ખિતાબ જીતવા માટે સૌથી મજબૂત દાવેદાર ગણવામાં આવી રહ્યું છે.
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઇસ કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશી.

એશિયન ગેમ્સ ૨૦૨૬ મેચ શેડ્યૂલ
-
૨૪ સપ્ટેમ્બર, ગુરુવાર – જાપાન vs અફઘાનિસ્તાન – સવારે ૦૯:૦૦ વાગ્યે
-
૩૫ સપ્ટેમ્બર, ગુરુવાર – હોંગકોંગ, ચીન vs મલેશિયા – બપોરે ૦૨:૦૦ વાગ્યે
-
૨૫ સપ્ટેમ્બર, શુક્રવાર – હોંગકોંગ, ચીન vs ઓમાન – સવારે ૦૯:૦૦ વાગ્યે
-
૨૫ સપ્ટેમ્બર, શુક્રવાર – અફઘાનિસ્તાન vs નેપાળ – બપોરે ૦૨:૦૦ વાગ્યે
-
૨૬ સપ્ટેમ્બર, શનિવાર – જાપાન vs નેપાળ – સવારે ૦૯:૦૦ વાગ્યે
-
૨૬ સપ્ટેમ્બર, શનિવાર – મલેશિયા vs ઓમાન – બપોરે ૦૨:૦૦ વાગ્યે
-
૨૮ સપ્ટેમ્બર, સોમવાર – પાકિસ્તાન vs TBC – સવારે ૦૯:૦૦ વાગ્યે
-
૨૮ સપ્ટેમ્બર, સોમવાર – ભારત vs TBC – બપોરે ૦૨:૦૦ વાગ્યે
-
૨૯ સપ્ટેમ્બર, મંગળવાર – શ્રીલંકા vs TBC – સવારે ૦૯:૦૦ વાગ્યે
-
૨૯ સપ્ટેમ્બર, મંગળવાર – બાંગ્લાદેશ vs TBC – બપોરે ૦૨:૦૦ વાગ્યે
-
૧ ઓક્ટોબર, ગુરુવાર – TBC vs TBC – સવારે ૦૯:૦૦ વાગ્યે
-
૧ ઓક્ટોબર, ગુરુવાર – TBC vs TBC – બપોરે 92:૦૦ વાગ્યે
-
૩ ઓક્ટોબર, શનિવાર – TBC vs TBC (ત્રીજા સ્થાનની મેચ) – સવારે ૦૯:૦૦ વાગ્યે
-
૩ ઓક્ટોબર, શનિવાર – TBC vs TBC (ફાઇનલ) – બપોરે ૦૨:૦૦ વાગ્યે
TBC (To Be Confirmed) એટલે કે ‘પછીથી નક્કી કરવામાં આવશે’

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
