ગુજરાત સહિત ૨૦ રાજ્યોમાં ૮૯ સ્થળોએ દરોડા

દેશભરમાં સામાન્ય લોકોને ડરાવી-ધમકાવીને કરોડો રૂપિયા પડાવતી સાયબર ગેંગ્સ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશો બાદ સીબીઆઈ એ ‘ઓપરેશન ચક્ર-VI’ હાથ ધરીને ૨૦ રાજ્યોમાં ૮૯ સ્થળોએ મોટા પાયે દરોડા પાડ્યા છે. આ ઓપરેશન દરમિયાન છેતરપિંડીના નાણાંની હેરાફેરી કરનારા ૩ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દેશભરમાંથી નોંધાયેલા ૩ મોટા કિસ્સાઓમાં ભોગ બનનારાઓ પાસેથી કુલ રૂપિયા ૪૨.૩૬ કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી.
સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સૌથી ચોંકાવનારો કેસ ગુજરાતમાંથી સામે આવ્યો છે. ગુજરાતમાં સાયબર ગઠિયાઓએ નકલી પોલીસ અધિકારી બનીને એક નિર્દોષ નાગરિકને સતત ૩ મહિના સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ રાખ્યો હતો. વીડિયો કોલ અને કાયદાકીય કાર્યવાહીનો ડર બતાવીને આરોપીઓએ પીડિત પાસેથી રૂપિયા ૧૯.૨૪ કરોડની જંગી રકમ પડાવી લીધી હતી. દેશભરમાં ઝડપાયેલા ત્રણેય કેસોમાં ગુજરાતનો આ કિસ્સો નાણાકીય છેતરપિંડીની દ્રષ્ટિએ સૌથી મોટો છે.

ગુજરાત ઉપરાંત અન્ય બે મોટા કેસોમાં પણ આ સિન્ડિકેટ સક્રિય હતું. રાજસ્થાનના બીઆઈટીએસ પિલાની સાથે જોડાયેલા એક કેસમાં પીડિતને ૩ મહિના સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખીને નકલી પોલીસ બનીને રૂપિયા ૭.૬૭ કરોડ પડાવવામાં આવ્યા હતા. જ્યારે કર્ણાટકમાં નોંધાયેલા ત્રીજા કેસમાં પીડિતને ૧ મહિના સુધી ઓનલાઈન નજરકેદ રાખીને રૂપિયા ૧૫.૪૫ કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી.
![]()
આ આંતરરાજ્ય નેટવર્કને તોડી પાડવા માટે સીબીઆઈ એ ૨૦ રાજ્યોમાં એકસાથે ૮૯ સ્થળોએ સંકલિત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેંક ખાતાઓની વિગતો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ડેટા, ડિજિટલ ડિવાઈસ અને મહત્વના બેંકિંગ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. પુરાવાનો નાશ થાય તે પહેલાં જ એજન્સીએ કબજે કરેલી આ સામગ્રીની હવે ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે, જેથી નાણાંની હેરાફેરીના આખા નેટવર્કનો ખુલાસો થઈ શકે.

છેતરપિંડીથી પડાવેલા નાણાં અલગ-અલગ બેંક ખાતાઓમાં ફેરવીને રોકડમાં વટાવી લેવાના આરોપ હેઠળ સીબીઆઈ એ ૩ શખ્સોની ધરપકડ કરી છે. હરિયાણાના રહેવાસી આકાશના ખાતામાં રૂપિયા ૧.૯૫ કરોડ જમા થયા હતા, જે તેણે તે જ દિવસે અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. કોલકાતાના રાજા કરમાકરની કંપનીના બેંક ખાતામાં રૂપિયા ૧.૫ કરોડ ટ્રાન્સફર કરાયા હતા. જ્યારે ત્રીજી આરોપી જ્યોતિ રાનીએ પોતાના ખાતામાં આવેલી રકમમાંથી અમુક હિસ્સો રોકડમાં ઉપાડી બાકીના નાણાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ સિન્ડિકેટના અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર

