ચૂંટણી પંચે રાજ્યસભાની ૧૨ બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ઉત્તરપ્રદેશની ૧૦ બેઠક, ઉત્તરાખંડની ૧ બેઠક અને પશ્ચિમ બંગાળની ૧ બેઠક પર પેટાચૂંટણી યોજાશે.

રાજ્યસભાની ૧૨ બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર થઇ છે. ભારતીય ચૂંટણી પંચે ખાલી પડનારી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ઉત્તર પ્રદેશની ૧૦ અને ઉત્તરાખંડની એક બેઠક માટે નિયમિત ચૂંટણી યોજાશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. આ બેઠકો માટે ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ મતદાન થશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થશે અને એ જ દિવસે ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારો ૬ ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૭ ઓક્ટોબરે થશે. ઉમેદવારોને ૯ ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચવાની તક મળશે.
/indian-express-gujarati/media/media_files/2026/09/22/election-commission-of-india-1-2026-09-22-11-28-59.jpg)
રાજ્યસભાની તમામ બેઠકો પર ૧૬ ઓક્ટોબરે સવારે ૦૯:૦૦ વાગ્યાથી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી મતદાન થશે. તે જ દિવસે સાંજે ૦૫:૦૦ વાગે મતગણતરી શરૂ થશે. ચૂંટણી પંચે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૧૯ મી ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે.
![]()
ઉત્તર પ્રદેશની રાજ્યસભાની ૧૦ બેઠકો માટે ચૂંટણી
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાના ૧૦ સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેમાં અરુણ સિંહ, ગીતા ઉર્ફે ચંદ્રપ્રભા, નીરજા શેખર, બ્રિજલાલ, પ્રો. રામ ગોપાલ યાદવ, રામજી, બી.એલ. વર્મા, સીમા, ડો.દિનેશ શર્મા અને હરદીપ સિંહ પુરીનો સમાવેશ થાય છે.
આ તમામ સભ્યોની કાર્યકાળની મુદત ૨૫ નવેમ્બર ૨૦૨૬ ના રોજ સમાપ્ત થવાની છે. ચૂંટણી પંચના દસ્તાવેજમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડો. દિનેશ શર્મા સાથે સંકળાયેલી બેઠક ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી ખાલી છે.

ઉત્તરાખંડની એક બેઠક પર ચૂંટણી યોજાશે
ઉત્તરાખંડમાં રાજ્યસભાના સભ્ય નરેશ બંસલનો કાર્યકાળ પણ ૨૫ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેમની બેઠક માટે મતદાન પણ ૧૬ ઓક્ટોબરે યોજાશે. આ બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી દાખલ કરવી અને અન્ય કાર્યવાહી પણ આ જ સમયપત્રક મુજબ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળની એક બેઠક પર પેટાચૂંટણી
પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. રુકમણી મલિકના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. તેમણે ૧૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ રાજ્યસભાના સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમની બેઠકની મુદત ૨ એપ્રિલ ૨૦૩૨ સુધીની હતી. ચૂંટણી પંચે ખાલી પડેલી બેઠક ભરવા માટે ૧૬ ઓક્ટોબરે મતદાન યોજવાનો નિર્ણય પણ લીધો છે.

મતદાન માટે જાંબલી સ્કેચ પેન જરૂરી
ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન સંબંધિત પ્રક્રિયા અંગે વિશેષ સૂચનાઓ પણ જારી કરી છે. રિટર્નિંગ ઓફિસર દ્વારા આપવામાં આવેલી નિર્ધારિત જાંબલી સ્કેચ પેનનો ઉપયોગ બેલેટ પેપર પર ઉમેદવારોની સામે પસંદગી નોંધવા માટે કરી શકાય છે.

અન્ય કોઈ પેન દ્વારા બેલેટ પેપર પર ઉમેદવારોની પસંદગી નોંધવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે નિરીક્ષકોની નિમણૂક કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આમ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળની કુલ ૧૨ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા સપ્ટેમ્બરના અંતથી શરૂ થશે અને ૧૯ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
