BJP નેતાની દીકરી સાથે હેવાનિયત, પહેલા બળાત્કાર, બાદમાં આંખો કાઢીને ઝાડ પર લટકાવ્યો મૃતદેહ

ઝારખંડ ખાતેથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પલામૂ જિલ્લા ખાતે કેટલાક દુષ્ટોએ હેવાનિયતની તમામ હદો પાર કરતા ભાજપના સ્થાનિક નેતાની 16 વર્ષીય દીકરીની નિર્મમ હત્યા કરી દીધી છે. સૌ પ્રથમ સગીરા સાથે બળાત્કાર થયો હતો અને બાદમાં તેની આંખો કાઢી લેવામાં આવી હતી. આખરે આત્મહત્યા તરીકે રજૂ કરવા માટે તેના મૃતદેહને ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે પ્રદીપ કુમાર સિંહ નામના આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટના ગત 7 જૂનના રોજ બની હોવાનું કહેવામાં આવે છે. તે દિવસે સવારે 10:00 કલાકે પીડિતા ઘરની બહાર ગઈ હતી અને પાછી ન ફરતા પરિવારજનોએ સોમવારે પોતાની રીતે શોધખોળ આરંભી હતી. ત્યાર બાદ પાંકી થાણામાં મિસિંગ રિપોર્ટ લખાવવામાં આવ્યો હતો અને પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી.

પોલીસ પીડિતાને શોધવા પ્રયત્ન કરી રહી હતી તે સમયે બુધવારે તેમને લાલીમાટી જંગલમાં તેનો મૃતદેહ ઝાડ સાથે લટકતો મળી આવ્યો હતો. મૃતકના પિતાએ જણાવ્યું કે, તેમને 4 દીકરી અને એક દીકરો છે તથા હત્યારાએ તેમની મોટી દીકરીનો ભોગ લીધો છે.

કેસની તપાસ કરી રહેલી પોલીસને ઘટના સ્થળેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેના આધારે પ્રદીપની ધરપકડ થઈ શકી હતી. પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક દૃષ્ટિએ હત્યા બાદ તેને આત્મહત્યાનું સ્વરૂપ આપવા મૃતદેહને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો હોવાનું લાગે છે.

જોકે મૃતકના પિતાએ પોતાની દીકરી સામૂહિક દુષ્કર્મનો ભોગ બની છે અને બાદમાં તેની આંખો ફોડી નાખવામાં આવી છે તેવો દાવો કર્યો છે. ગામના સ્મશાન ઘાટમાં મૃતકના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી અને પીડિતાના પિતાએ જ પોતાની દીકરીને મુખાગ્નિ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *