અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે પાલતુ કૂતરામાં હવે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ચિપ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. RFID ચિપમાં પાલતુ કૂતરાના વેક્સિનેશન સહિતની માહિતી હશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાલતુ કૂતરા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવડાવ્યું હતું. જેમાં અમદાવાદમાં ૫૦ હજારથી વધુ પાલતુ કૂતરાની સામે 18 જેટલા જ રજિસ્ટ્રેશન અત્યાર સુધી થયેલા છે. હવે આ રજિસ્ટ્રેશન થયેલા છે તેવા પાલતુ કૂતરામાં RFID ચિપ લગાવવાનું શરૂ કરવામાં આવશે. જેમાં આ કૂતરાના વેક્સિનેશન, લોકેશન સહિતની માહિતી હશે. અલબત્ત, આ ચિપ લગાવવાની પ્રક્રિયાનું ખાનગીકરણ કરવું કે કેમ અને તેનો ચાર્જ કઈ રીતે વસૂલવો તેના અંગે હાલમાં વિચારણા ચાલી રહી છે.

અગાઉ ૫૦૦ જેટલા સ્ટ્રીટ ડોગમાં RFID ચિપ લગાવામા આવી હતી. આગામી દિવસોમાં વધુ સંખ્યામાં સ્ટ્રીટ ડોગ્સમાં RFID ચિપ લગાવવાની પ્રક્રિયા વેગવંતી બનાવાઈ શકે છે. દરમિયાન અમદાવાદમાં આગામી બીજી ઓક્ટોબર સુધી વર્લ્ડ રેબીઝ ડે ઉજવાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વર્ષ ૨૦૩૦ સુધીમાં અમદાવાદ શહેરમાંથી રેબીઝ રોગ નાબૂદ કરવો અને સમગ્ર સમુદાયમાં જાગૃતતા ફેલાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, ૯ મહિનામાં રેબિઝવાળા ૩ શ્વાનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવ્યા છે.

