
એશિયા કપમાં ૪૧ વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ૫ વિકેટથી જીત હાંસલ કરી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા એશિયા કપ ૨૦૨૫ ની ચેમ્પિયન બની ગઇ છે. ટીમ ઇન્ડિયાએ પોતાનું ટાઇટલ ડિફેન્ડ કર્યું છે. નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયા એશિયા કપ-૨૦૨૩ માં પણ ચેમ્પિયન બની હતી. ટીમ ઈન્ડિયા ૯ મી વખત એશિયા કપની ચેમ્પિયન બની છે.
![]()
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને ૧૯.૧ ઓવરમાં એટલે કે ૫ બોલ બાકી રહેતા ૧૦ વિકેટના નુકસાને ૧૪૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાને ભારતને ૧૪૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે ૧૯.૪ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૧૫૦ રન બનાવીને જીત હાંસલ કરી છે. તિલક વર્માએ જીતનો મોટો ફાળો આપ્યો છે.

બેટિંગ કરતી વખતે ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી નહોતી. ઓપનર અભિષેક શર્મા ૬ બોલમાં ૫ રન, શુભમન ગિલ ૧૦ બોલમાં ૧૨ રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ૫ બોલમાં માત્ર ૧ રન બનાવીને ઓઉટ થઇ ગયા હતા. જો કે, ત્યારબાદ તિલક વર્મા અને સંજૂ સેમસને ઇનિંગ સંભાળી હતી. તિલક વર્માએ ૫૩ બોલમાં અણનમ 69 રન બનાવીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે શિવમ દુબેએ ૨૧ બોલમાં અણનમ ૩૩ રન અને સંજુ સેમસને ૨૧ બોલમાં ૨૪ રન બનાવીને તિલકનો સાથ આપ્યો હતો.
પાકિસ્તાનની ટીમ ૧૯.૧ ઓવર પર ૧૪૬ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ. પાકિસ્તાનના ઓપનર બેટર સાહિબઝાદા ફરહાન અને ફખર ઝમાને સારી શરૂઆત કરી હતી. ફરહાને આ મેચમાં 38 બોલ પર ૫૭ રન અને ફખરે ૩૫ બોલમાં ૪૬ રન બનાવ્યા હતા. આમ, આ બે ખેલાડીઓએ મળીને કુલ ૧૦૩ રન બનાવ્યા હતા. આ બે બેટર સિવાય પાકિસ્તાનના તમામ બેટર ફ્લોપ સાબિત થયા હતા. પાકિસ્તાને ૧૧૩ રન પર ૧ વિકેટ ગુમાવી હતી. જ્યારે ત્યાર બાદ આખી ટીમ ૧૪૬ રન પર સમેટાઇ ગઇ હતી. એટલે કે, પાકિસ્તાને માત્ર ૩૩ રનમાં ૯ વિકેટ ગુમાવી.
![]()
મેચમાં ભારતીય બોલર્સે શાનદાર દેખાવ કર્યો હતો. ભારતના બોલર્સ સામે પાકિસ્તાનના બેટર્સ ઘૂંટણિયે આવી ગયા હતા. કુલદીપ યાદવે ૪ ઓવરમાં માત્ર ૩૦ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહે પણ ૨-૨ વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે, ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં પોતાની તમામ મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે.

ટીમ ઇન્ડિયા ચેમ્પિયન! એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે ભારતની ૫ વિકેટથી જીત

