અમેરિકા ફરી એકવાર સરકારી શટડાઉન લાગુ થઈ ગયું છે. સાત વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે અમેરિકામાં કોઈ સરકાર સામે આવી સ્થિતિ સર્જાઇ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષને સેનેટમાં કામચલાઉ ફન્ડિંગ બિલ પસાર કરાવવા માટે ઓછામાં ઓછા ૬૦ મતોની જરૂર હતી, પરંતુ ફક્ત ૫૫ મત જ મળતાં મુશ્કેલી વધી ગઇ. એટલે કે આ પ્રસ્તાવ અટવાઈ ગયો.

બુધવારથી જ અમેરિકામાં સંઘીય સરકારની કામગીરી ખોરવાઈ ગઇ હતી. કેમ કે ડેમોક્રેટ્સ દ્વારા શોર્ટ ટર્મ ફન્ડિંગ બિલને અટકાવી દેવામાં આવ્યો હતો. ૨૦૧૮ બાદ પહેલીવાર છે જ્યારે ફરી એકવાર અમેરિકામાં શટડાઉનની સ્થિતિ આવી રહી છે. આ દરમિયાન બિનજરૂરી વિભાગોમાં કામકાજ બંધ રહેશે અને હજારો સરકારી કર્મચારીઓએ ૩૫ દિવસ સુધી પગાર વિના કામગીરી કરવી પડશે. તેમને ત્યારબાદ જ પગાર મળતો થઈ શકશે જ્યારે સાંસદો દ્વારા સ્ટોપગેપ ફન્ડિંગને મંજૂરી આપવામાં આવશે. હવે અમેરિકાના સૈન્ય કર્મચારીઓ સહિત જરૂરી વિભાગોના કર્મચારીઓએ પગાર વિના કામ કરવું પડશે અને બિનજરૂરી સરકારી કર્મચારીઓએ રજા પર મોકલી દેવાશે. એક અંદાજ પ્રમાણે ૭૫,૦૦૦૦ સરકારી કર્મચારીઓને અસ્થાયીરૂપે રજા પર મોકલવામાં આવી શકે છે.
તેનો સીધો અર્થ એ છે કે સરકાર પાસે હવે જરૂરી ફન્ડિંગનું વિસ્તરણ નથી અને ઘણા સરકારી કામકાજ ઠપ થઇ ગયા છે.. અમેરિકાના કાયદા હેઠળ જ્યાં સુધી બજેટ કે કામચલાઉ ફન્ડિંગ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી બિન જરૂરી સરકારી વિભાગ અને સેવાઓ બંધ કરવામાં આવે છે. આ સ્થિતિને જ શટડાઉન કહેવાય છે. આ દરમિયાન એવા અનેક સરકારી કર્મચારીઓ હશે જેમને પગાર વિના જ ઘરે મોકલી દેવામાં આવશે.
છેલ્લા બે દાયકામાં આ પાંચમી વખત છે જ્યારે અમેરિકામાં મોટા શટડાઉનની સ્થિતિ સર્જાઈ છે. અગાઉ રિપબ્લિકને સરકાર માટે 21 નવેમ્બર સુધીનું ટૂંકા ગાળા માટેનું ફન્ડિંગ બિલ પાસ કરી આપ્યું હતું. જોકે ડેમોક્રેટ્સનું કહેવું છે કે તે પૂરતું નથી. તેઓ ઇચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ઉનાળાના મેગા-બિલમાં મેડિકેડ કાપને ઉલટાવી દેવામાં આવે અને એફોર્ડેબલ કેર એક્ટમાંથી મુખ્ય ટેક્સ ક્રેડિટ્સનો વિસ્તાર કરવામાં આવે. જોકે રિપબ્લિકન્સે આ માગ ફગાવી દીધી છે. કોઈપણ પક્ષ આ મામલે પીછેહઠ માટે તૈયાર ન હોવાથી સ્થિતિ સંકટજનક બની ગઇ છે.

