અમેરિકાના કેન્ટીકમાં લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે સાંજે ૦૫:૦૦ વાગ્યે ટેકઑફ કર્યા પછી તરત જ એક યુપીએસ કાર્ગો પ્લેન ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતમાં અનેક ઘર બળીને ખાખ થઈ ગયા છે.

આ ઘટના બાદ અધિકારીઓએ એરપોર્ટ બંધ કરી દીધું હતું અને નજીકના રહેવાસીઓને શેલ્ટર-ઇન-પ્લેસનો આદેશ આપ્યો છે. અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને ૧૧ થી વધુ ઈજાગ્રસ્તની માહિતી સામે આવી છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, આ આંકડો હજુ વધી શકે છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ જણાવ્યું હતું કે, યુપીએસ ફ્લાઇટ ૨૯૭૬ જે એક મેકડૉનેલ ડગલસ એમડી-11એફ વિમાન હતું અને હોનોલુલુ માટે રવાના થયું હતું. સ્થાનિક સમયાનુસાર સાંજે ૦૫:૧૫ ઉડાન ભર્યાની થોડી જ મિનિટ બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ એરપોર્ટ યુપીએસ વર્લ્ડપોર્ટનું ઘર છે, જે કંપનીના એર કાર્ગો સંચાલનનું વૈશ્વિક સેન્ટર અને દુનિયાનું સૌથી મોટું પેકેજ હેન્ડલિંગ સુવિધા કેન્દ્ર છે.

કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે, લુઇસવિલેમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને ૧૧ ઈજાગ્રસ્ત થયા છે. તેમણે ચેતવણી આપી હતી કે બચાવ પ્રયાસો હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

લુઇસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે, વિમાનમાં મોટી માત્રામાં જેટ ઇંધણ હોવાને કારણે આગ લાગી હતી. ગ્રીનબર્ગે એક મીડિયાને જણાવ્યું હતું કે, ‘હું સમજું છું કે વિમાનમાં આશરે ૨૮૦,૦૦૦ ગેલન ઇંધણ હતું. જે અનેક પ્રકારે ચિંતાનું એક ગંભીર કારણ છે.’

સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં એરપોર્ટની દક્ષિણે ફર્ન વેલી અને ગ્રેડ લેન પાસે કાળો ધુમાડો જોવા મળી રહ્યો હતો. ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે.
