હવે ઠંડીના દિવસો શરૂ થઈ ગયા છે, અને તાપમાન ધીમે ધીમે નીચે ઉતરતું જાય છે. પરંતુ હજી આગળ હવામાનમાં શું ફેરફાર થવાનો છે? શું ઠંડી વધુ વધશે કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે?

દેશમાંથી હવે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પણ કેટલાક રાજ્યોમાં હજી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણના તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં આગામી દિવસોમાં ભારે વરસાદ માટે ચેતવણી આપી છે. આ રાજ્યોમાં પવનની ઝડપ વધવાની અને તાપમાન ૪ થી ૫ ડિગ્રી ઘટવાની શક્યતા છે. દરિયાકાંઠે વસતા માછીમારોને પણ દરિયામાં ન ઉતરવા સૂચના અપાઈ છે.

ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં હવે ઠંડીનો ચમકારો સ્પષ્ટ થઈ રહ્યો છે. ગુજરાતમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું છે, જ્યારે નલિયામાં ૧૬ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પારો ૧૫ થી ૧૭ ડિગ્રી વચ્ચે રહ્યો છે. આગામી ૨ થી ૩ દિવસમાં તાપમાનમાં વધુ ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે, એટલે ઠંડી હવે વધુ ચમકશે.

મધ્ય ભારતમાં પણ આવનારા ૪૮ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ ૩ થી ૪ દિવસ સુધી કોઈ ખાસ ફેરફાર નહીં થાય.

ઉત્તર ભારતમાં, ખાસ કરીને દિલ્હીમાં, આજે ૮ નવેમ્બરે લઘુત્તમ તાપમાન ૧૩ થી ૧૪ ડિગ્રી સુધી ઘટી શકે છે. સવારે અને સાંજે ૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ધારણા છે. હવામાન વિભાગે લોકોને સવાર-સાંજમાં ગરમ કપડાં પહેરવાની સલાહ આપી છે. ઉત્તર પ્રદેશમાં આગામી ૨૪ કલાકમાં તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઘટી શકે છે. વરસાદની શક્યતા નથી, પરંતુ ધુમ્મસ વધવાની શક્યતા છે, જેના કારણે ગ્રામિણ વિસ્તારોમાં દૃશ્યતા ઘટી શકે છે.

બિહારમાં હવામાન સ્થિર રહેશે, પરંતુ તાપમાન ૧ થી ૨ ડિગ્રી ઘટી શકે છે. સવાર-સાંજ ઠંડી અનુભવાશે અને આગામી અઠવાડિયા સુધી ગરમ કપડાંની જરૂર પડશે. ઉત્તરાખંડમાં તીવ્ર ઠંડીનું આગમન થઈ રહ્યું છે. દેહરાદૂનમાં મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી અને લઘુત્તમ ૧૧ ડિગ્રી રહેશે. નૈનિતાલમાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી સુધી ઘટી શકે છે.

ઝારખંડમાં રાંચીમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી અને મહત્તમ ૨૪ ડિગ્રી રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી, પણ સવાર-સાંજ ઠંડી લાગશે. હિમાચલ પ્રદેશમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. મનાલી અને લાહૌલ સ્પીતીમાં હિમવર્ષા થઈ રહી છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મનાલીમાં મહત્તમ તાપમાન ૬ ડિગ્રી, જ્યારે લઘુત્તમ -૧૨ ડિગ્રી સુધી પહોંચ્યું છે.

મધ્યપ્રદેશમાં ભોપાલનું તાપમાન ૨૫/૧૨ ડિગ્રી રહેશે, જ્યારે રાજસ્થાનના જયપુરમાં ૨૬/૧૪ ડિગ્રી તાપમાન રહેશે. આગામી દિવસોમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઠંડીનો પ્રભાવ વધુ વધશે. લોકો માટે હવે ગરમ કપડાં બહાર કાઢવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે ઠંડીની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે!
