બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે એનડીએ સરકારની રચના થઈ છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત સમારોહમાં જનતા દળ યુનાઈટેડના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રેકોર્ડબ્રેક ૧૦ મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. બિહારના રાજ્યપાલ મોહમ્મદ આરિફ ખાને તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા.

નીતિશ કુમારની સાથે તેમની કેબિનેટમાં કુલ ૨૬ મંત્રીઓ રહેશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ૧૪, જનતા દળ યુનાઈટેડના ૮ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા. ૨૬ માંથી ત્રણ મહિલા મંત્રી છે જ્યારે એક મુસ્લિમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર નાયબ મુખ્યમંત્રી બન્યા.

શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે પી નડ્ડા તથા એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા કેટલાક કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા.

નીતિશ કુમારે ૧૦ મી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈને ઈતિહાસ રચ્યો. તેઓ નવેમ્બર 2005માં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા. તે બાદ તેમણે ૨૦૧૦, ૨૦૧૫ માં બે વખત, ૨૦૧૭, ૨૦૨૦, ૨૦૨૨ માં બે વખત અને ૨૦૨૪ માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

ભાજપના ધારાસભ્ય દળના નેતા સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમના બાદ વિજય સિન્હાએ પણ બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે પદના શપથ લીધા હતા.

બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બની રહેલી નવી એનડીએ સરકારમાં સામેલ થનારા મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની સાથે કુલ ૨૫ સંભવિત મંત્રીઓ આજે શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને સૌથી વધુ હિસ્સો મળ્યો છે, જેમાં બે નાયબ મુખ્યમંત્રી સહિત કુલ ૧૪ મંત્રીઓનો સમાવેશ થાય છે.
