માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારનો સાપુતારામાં ભયંકર અકસ્માત

ડાંગમાં સાપુતારા નજીક માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા હતા. અકસ્માતને લઈ પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો.

ડાંગ જિલ્લાના સાપુતારા નજીક આજે સવારે બનેલા દિલદ્રાવક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, સપ્તશૃંગી માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ છ લોકોનું ઘટનાસ્થળે જ સ્થળ પર મોત થયું.

મૃતક તમામ લોકો કચ્છના પાટીદાર સમાજના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્ર પોલીસ, સ્થાનિક બચાવ દળ અને મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. ખીણ ઊંડી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ ટીમોએ મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મૃતકની યાદી

  • કીર્તિ પટેલ ઉ ૫૦ ચાલક
  • રસીલાબેન પટેલ ઉ ૫૦
  • વિઠ્ઠલભાઈ પટેલ ઉ ૬૫
  • લતાબેન પટેલ ઉ ૬૦
  • પચનભાઈ પટેલ. ઉ ૬૦
  • મણીબેન પટેલ ઉ ૭૦ નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ દુર્ઘટના અત્યંત પીડાદાયક છે. પ્રભુ આત્માઓને શાંતિ આપે.

સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ પ્રાથમિક દૃષ્ટિએ કાર સ્ટેરિંગ પરનો નિયંત્રણ ગુમાવવાનું મુખ્ય કારણ માની રહી છે.

સાપુતારા માર્ગ પર ફરી એકવાર બનેલી આ દુર્ઘટનાએ સ્થાનિકો અને યાત્રાળુઓમાં શોક અને ચિંતા ફેલાવી છે. તંત્ર દ્વારા યાત્રાળુઓને પહાડી વિસ્તારોમાં સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *