ઈરાનમાં વધી રહેલી અશાંતિ વચ્ચે ભારત સરકારની મહત્વની સલાહ, શક્ય હોય તેટલી વહેલી તકે ઈરાન છોડવાની અપીલ

ઈરાનની બગડતી સ્થિતિ વચ્ચે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઈરાનમાં હાલ પરિસ્થિતિ ઝડપથી ખરાબ બની રહી છે. દેશમાં અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન અને તણાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ત્રીજી મુસાફરી સલાહ જાહેર કરી છે. વિદેશ મંત્રાલય મુજબ, હાલ ઈરાનમાં અંદાજે ૯,૦૦૦ જેટલા ભારતીય નાગરિકો રહે છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ત્યાં રોકાયેલા છે. સરકારનું માનવું છે કે હાલની સ્થિતિ જોખમી બની શકે છે, તેથી ભારતીય નાગરિકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે, તેમણે કોઈપણ ઉપલબ્ધ વિકલ્પ દ્વારા જેમ કે વાણિજ્યિક ફ્લાઇટ્સનો ઉપયોગ કરીને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવો જોઈએ. સાથે જ હાલ માટે કોઈપણ ભારતીય નાગરિકને ઈરાનની નવી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને ખાસ સૂચના આપી છે કે, તેઓ કોઈપણ પ્રદર્શન, વિરોધ અથવા ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળે. પોતાની સલામતી માટે હંમેશા પાસપોર્ટ, વિઝા અને ઓળખ દસ્તાવેજો સાથે રાખવા પણ વિનંતી કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ભારત સરકાર માટે તેના નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જરૂર પડશે તો ઈરાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ, વેપારીઓ, યાત્રાળુઓ અને પ્રવાસીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવશે.
![]()
ભારત સરકારે ઈરાનમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી, અસુરક્ષા અથવા તાત્કાલિક મદદની જરૂર પડે તો તરત જ દૂતાવાસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
