ગલ્ફ દેશો અમેરિકામાંથી ૨ ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં…

મધ્ય પૂર્વના યુદ્ધની અસરો હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે. એક અહેવાલ મુજબ, ખાડી દેશો હવે અમેરિકામાંથી પોતાનું જંગી રોકાણ પાછું ખેંચવાનું વિચારી રહ્યા છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

ઈરાન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે સાઉદી અરેબિયા, યુએઈ , કુવૈત અને કતર જેવા દેશોની આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડી રહી છે. ઉર્જા (ઓઈલ-ગેસ), શિપિંગ અને પ્રવાસન ક્ષેત્રમાંથી થતી આવકમાં ધરખમ ઘટાડો થવાને કારણે આ દેશોના બજેટ પર ભારે દબાણ સર્જાયું છે. પરિણામે, ૪ માંથી ૩ મોટા ખાડી દેશો હવે અમેરિકા અને અન્ય વિદેશી રોકાણોમાંથી ખસી જવાની ચર્ચા કરી રહ્યા છે.

ખાડી દેશો દ્વારા અમેરિકામાં કરવામાં આવેલું અંદાજે ૨ ટ્રિલિયન ડોલર (આશરે ૧૬૦ લાખ કરોડ રૂપિયાથી વધુ) થી પણ વધુનું રોકાણ અત્યારે જોખમમાં છે. આ દેશો અમેરિકા પ્રત્યેની તેમની રોકાણ પ્રતિબદ્ધતાઓની પુનઃ સમીક્ષા કરી શકે છે. જો આ રોકાણ પાછું ખેંચવામાં આવે, તો અમેરિકાના બજારમાં મોટો ભૂકંપ આવી શકે છે.

આ પગલાને એક ‘સાવચેતીના પગલા’ તરીકે જોવામાં આવી રહ્યો છે, પરંતુ આડકતરી રીતે તે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર દબાણ લાવવાની વ્યૂહરચના પણ હોઈ શકે છે. ખાડી દેશો ઈચ્છે છે કે અમેરિકા આ યુદ્ધને રોકવા અથવા સ્થિતિ થાળે પાડવા માટે સક્રિય ભૂમિકા ભજવે. અમેરિકાના રોકાણને જોખમમાં મૂકીને આ દેશો વૉશિંગ્ટન પર દબાણ વધારી રહ્યા છે.
જો ખાડી દેશો ખરેખર પોતાનું રોકાણ પાછું ખેંચે છે, તો તેની અસર માત્ર અમેરિકા જ નહીં પણ સમગ્ર વિશ્વના શેરબજારો અને અર્થતંત્ર પર પડશે. યુદ્ધના વધતા ખર્ચ અને ઘટતી આવક વચ્ચે આ દેશો હવે પોતાના અનામત ભંડોળને બચાવવા માટે આ આકરો નિર્ણય લઈ શકે છે.
