
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આવનારા સમયમાં ૪ સેક્ટરમાં ભારે મોંઘવારી જોવા મળશે તેવો રાહુલ ગાંધીએ દાવો છે. આ સાથે જ તેમણે શેરબજારને લઈને પણ ભવિષ્યવાણી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદી સરકાર પાસે ન તો કોઈ દિશા છે કે ન તો કોઈ વ્યૂહનીતિ, માત્ર નિવેદનબાજી જ છે’. સરકાર ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ના ભાવમાં પણ વધારો કરશે. તેમણે ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટમાં વધતી જતી મોંઘવારી તરફ પણ ઈશારો કર્યો છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ડોલર સામે રૂપિયાનું નબળું પડીને ૧૦૦ તરફ વધવું અને ઇન્ડસ્ટ્રિયલ ફ્યુઅલની કિંમતોમાં તીવ્ર વધારો, આ માત્ર આંકડા નથી, પરંતુ આવનારી મોંઘવારીના સ્પષ્ટ સંકેતો છે. સરકાર ભલે તેને ‘નોર્મલ’ ગણાવે, પરંતુ હકીકત એ છે કે…’

ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટ મોંઘા થશે
MSMEsને સૌથી વધુ ફટકો પડશે
રોજિંદી ચીજવસ્તુઓના ભાવ વધશે
એફઆઈઆઈ (ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર)ના નાણાં વધુ ઝડપથી બહાર જશે, જેના કારણે શેરબજાર પર દબાણ વધશે.


રાહુલ ગાંધીએ વધુમાં આરોપ લગાવ્યો કે, ‘દરેક પરિવારના ખિસ્સા પર તેની સીધી અને ઊંડી અસર પડવી નક્કી છે. અને આ માત્ર સમયની વાત છે. ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમતો પણ વધારી દેવામાં આવશે. મોદી સરકાર પાસે ન દિશા છે, ન વ્યૂહનીતિ, માત્ર નિવેદનબાજી છે. સવાલ એ નથી કે સરકાર શું કહી રહી છે, સવાલ એ છે કે તમારી થાળીમાં શું બચ્યું છે.’
