ચૌધરી સમાજ અને રબારી સમાજના ધીંગાણા મુદ્દે શંકર ચૌધરીએ તોડ્યું મૌન

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામે યોજાયેલા યશોત્સવ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉણ ગામમાં થયેલી ઘટનાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે થયેલા તણાવ અંગે ખુલ્લેઆમ વાત કરતા યુવાનોને સંયમ રાખવા અને સમજદારીપૂર્વક વર્તવાનો સંદેશ આપ્યો હતો.

શંકર ચૌધરીએ જણાવ્યું કે, કોઈપણ ઘટના વિશે પૂર્ણ માહિતી વગર ટોળાનો ભાગ બનવું એ મૂર્ખતા સમાન છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો પાછળ વિચાર્યા વગર દોડવું યુવાનો માટે ખતરનાક બની શકે છે. તેમણે ચેતવણી આપી કે, આવા મામલામાં જો પોલીસ કેસ થાય તો સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય બગડી શકે છે.

ટોળાનો ભાગ બનીને કોઈને નુકસાન પહોંચાડવું શૂરવીરતા નથી, પરંતુ સમજદારી અને સંઘર્ષથી પરિણામ મેળવવું જ સાચી વીરતા છે. આજની પેઢીએ અજ્ઞાનતા, ક્રોધ અને અહંકાર સામે લડવું જોઈએ. ઉણ ગામમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, બંને સમાજ વચ્ચે પ્રેમલગ્નના મુદ્દે તણાવ વધ્યો હતો, જે બાદ ગામમાં તોડફોડ અને હિંસક બનાવો બન્યા હતા. આ કેસમાં પોલીસે 62 લોકોની અટકાયત પણ કરી હતી. શંકર ચૌધરીએ અંતમાં યુવાનોને અપીલ કરી કે, આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લેવો અને સમાજમાં શાંતિ જાળવવા માટે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.

