અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના તણાવ વચ્ચે અત્યંત વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાનનું તેલ મેળવવા માંગે છે અને તે માટે ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર ‘ખાર્ગ આઈલેન્ડ’ પર અમેરિકન સેના કબજો કરી શકે છે.

ટ્રમ્પના મતે, ઈરાન પાસે એવી કોઈ મજબૂત સુરક્ષા વ્યવસ્થા નથી કે જે અમેરિકન સેનાને આ દ્વીપ પર કબજો કરતા રોકી શકે.

ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમને જડમૂળથી ખતમ કરવા માટે એક મોટા સૈન્ય ઓપરેશન પર વિચાર કરી રહ્યા છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મિશનનો હેતુ ઈરાનમાંથી આશરે ૧૦૦૦ પાઉન્ડ યુરેનિયમ બહાર કાઢવાનો છે. આ ઓપરેશન અત્યંત જોખમી હોઈ શકે છે કારણ કે તેમાં અમેરિકન સૈનિકોએ ઘણા દિવસો સુધી ઈરાનની સરહદની અંદર રોકાવું પડી શકે તેમ છે. જોકે, ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે ટ્રમ્પ આ જોખમ ઉઠાવવા માટે સકારાત્મક જણાઈ રહ્યા છે.
![]()
આ સૈન્ય ગતિવિધિઓની સાથે જ દરિયાઈ માર્ગોને લઈને કેટલીક કૂટનીતિક સફળતા પણ મળી રહી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે પાકિસ્તાની દૂતોના માધ્યમથી થયેલી વાતચીત બાદ ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માંથી તેલ ભરેલા ૨૦ મોટા જહાજોને પસાર થવાની મંજૂરી આપવા તૈયાર થયું છે. આ વ્યવસ્થાને ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલિબફ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેલ પુરવઠામાં થોડી રાહત મળી શકે છે.

પેન્ટાગોને આ સંભવિત ઓપરેશન માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. ખાર્ગ આઈલેન્ડ પર કબજો કરવા અને તેને નિયંત્રણમાં રાખવા માટે ૧૦૦૦૦ તાલીમબદ્ધ સૈનિકોની તૈનાતીના આદેશ અપાઈ ચૂક્યા છે. શુક્રવારે ૩૫૦૦ સૈનિકો આ વિસ્તારમાં પહોંચી ગયા છે અને ૮૨ મી એરબોર્ન ડિવિઝનના હજારો સૈનિકોને પણ હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૈન્ય વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે જો આ હુમલો થશે, તો તે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગો માટે મોટું સંકટ ઉભું કરી શકે છે અને લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધમાં પરિણમી શકે છે.
