નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ નેશનલ હાઈવે પર મુસાફરી કરવી મોંઘી બનશે. કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલ-૨૦૨૬ થી દેશભરના નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના દરોમાં અંદાજે ૫ % નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
![]()
સરકારે ખાનગી વાહન ચાલકો માટે ઉપલબ્ધ વાર્ષિક પાસની કિંમતમાં પણ વધારો કર્યો છે. અત્યાર સુધી ૨૦૦ ટ્રિપ માટે જે વાર્ષિક પાસ ૩૦૦૦ રૂપિયામાં મળતો હતો, તેમાં નવા નાણાકીય વર્ષથી ૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલીકરણ સાથે જ દરરોજ મુસાફરી કરતા મુસાફરો, ખાનગી વાહન માલિકો અને પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ હવે વધુ ખર્ચ કરવો પડશે.

સરકાર દ્વારા દર વર્ષે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ટોલના દરોની સમીક્ષા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રસ્તાઓની જાળવણી, મરામત અને બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ વધારો કરવામાં આવ્યો છે.

ટોલ ટેક્સમાં વધારાની સીધી અસર એવા લોકો પર પડશે જેઓ દરરોજ કામકાજ કે વ્યાપાર અર્થે નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે. ખાસ કરીને નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથે જોડાયેલા લોકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, માલસામાનના પરિવહનનો ખર્ચ વધવાથી અંતે તેની અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પણ પડી શકે છે.

