કેરીના રસિકો માટે સારા સમાચાર છે.
જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી ૨૫ – ૫૦ બોક્સની છુટક આવક હતી, પરંતુ છેલ્લા બે દિવસથી ૫૦૦ થી ૧૦૦૦ બોક્સની આવક થતાં હવે કેરીની હરાજીની શરૂઆત થઈ છે.
જોકે હાલમાં કેરીના ઉંચા ભાવ છે, પરંતુ જેમ જેમ આવક વધશે તેમ ભાવ ઓછા થશે તેવી આશા છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું હતું જેની અસર પણ કેરીની આવક પર થવા પામી છે.
આમ તો જૂનાગઢ યાર્ડમાં કેસર કેરી છેલ્લા એક અઠવાડિયાથી જોવા મળી રહી છે. છેલ્લા અઠવાડિયાથી દરરોજ ગણતરીના બોક્સ જ આવતાં હતાં, પરંતુ છેલ્લા બે દિવસથી કેરીની આવકમાં વધારો થયો છે અને દરરોજ સરેરાશ એક હજાર બોક્સની આવક થતાં હવે વિધિવત્ રીતે કેરીની હરાજીની શરૂઆત થઈ છે.
ચાલુ વર્ષે કેરીના પાકને વાતાવરણની અસર જોવા મળી છે. કમોસમી વરસાદને કારણે આંબા પરથી કેરી ખરી ગઈ હતી અને તેથી હાલ જેવી જોઈએ તેવી કેરી નથી આવી રહી. તેમ છતાં કેરીની માગમાં કોઈ અસર પડી નથી અને હાલ કેરી ૫૦૦ થી લઈને ૧૫૦૦ રૂપિયા પ્રતિ બોક્સના ભાવે વેચાઈ રહી છે.
કેસર કેરીની સાથે રત્નાગીરી હાફુસ કેરીની પણ આવક શરૂ થઈ છે અને તે લાકડાની પેટીમાં આવે છે. જેની પેટીનો ભાવ પાંચ હજાર રૂપિયા રહ્યો હતો. જો કે હજુ કેરીની શરૂઆત છે, પરંતુ આવતાં મહિને કેરીની આવકમાં વધતાં ભાવમાં ઘટાડો થશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.



