દાહોદમાં પોલીસ ચોકી પાસે જ ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ!

દાહોદ શહેરમાં આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ગોદી રોડ પોલીસ ચોકી પાસે ધોળા દિવસે એક અજાણ્યા શખ્સે યુવક પર છરી વડે ઉપરાછાપરી ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસના નાક નીચે જ બનેલા આ ખૂની ખેલને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

સાહસિક નાગરિકોએ હુમલાખોરને દબોચ્યો

ઘટનાને પગલે ઘટનાસ્થળે હાજર સાહસિક નાગરિકોએ હિંમત બતાવી હુમલાખોરને ઝડપી પાડ્યો હતો અને તેને તાત્કાલિક દાહોદ B-ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને 108 મારફતે તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે. ધોળા દિવસે અને તે પણ પોલીસ ચોકીની નજીક થયેલા આ હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. હાલ પોલીસે હુમલાખોરની અટકાયત કરી હુમલા પાછળના કારણો જાણવા તપાસ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *