ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ૧૦ દિવસનું યુદ્ધવિરામ

મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. લેબેનોન અને ઈઝરાયલે ૧૦ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ યુદ્ધવિરામની જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. અમેરિકન પ્રમુખે આ યુદ્ધવિરામની જાહેરાત કરતા કહ્યું છે કે, ‘હમણાં જ મારી લેબેનોનના અત્યંત સન્માનિત પ્રમુખ જોસેફ આઉન અને ઇઝરાયલના વડાપ્રધાન બીબી નેતન્યાહૂની સાથે ખુબ જ સારી વાતચીત થઈ. આ બંને નેતાઓએ આ વાત પર સહમતિ દર્શાવી છે કે પોતાના દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ઔપચારિક રીતે ૧૦ દિવસના યુદ્ધવિરામની શરૂઆત કરશે. અમેરિકન સમય અનુસાર, યુદ્ધવિરામ સાંજે ૫ વાગ્યાથી (ભારતમાં ૧૭ એપ્રિલના રોજ ૦૨:૩૦ વાગ્યે) લાગુ થઈ જશે.’

આ યુદ્ધવિરામની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયલી હુમલામાં મૃત્યુ પામનારા લેબેનોન નાગરિકોની સંખ્યા ૨૧૯૬ થઈ ગઈ છે.
![]()
ટ્રમ્પે કહ્યું છે કે, ‘મંગળવારે ૩૪ વર્ષોમાં પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિ અહીં વોશિંગ્ટન ડીસીમાં અમારા વિદેશ મંત્રી માર્કો રૂબિયોને મળ્યા. મેં જેડી વેન્સ અને રૂબિયોને જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના ચેરમેન સાથે મળીને ઈઝરાયલ અને લેબેનોનની સાથે કામ કરવાના નિર્દેશ આપ્યા છે, જેથી એક કાયમી શાંતિ સ્થાપિત કરી શકાય.

હું ઈઝરાયલના વડાપ્રધાન બીબી નેતન્યાહૂ અને લેબેનોનના રાષ્ટ્રપતિ જોસેફ ઓનને વ્હાઈટ હાઉસમાં આમંત્રિત કરીશ. આ ૧૯૮૩ બાદથી ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે પહેલી સાર્થક વાતચીત થશે. બંને પક્ષ શાંતિ ઈચ્છે છે અને મારું માનવું છે કે એવું થશે અને તે પણ ખુબ જલ્દી.’

એવું જણાવવામાં આવી રહ્યું છે કે લેબેનોન તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે જ્યાં સુધી જમીની સ્તરે યુદ્ધવિરામ (સીઝફાયર) લાગુ કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સીધી વાતચીત શક્ય નથી. આ વલણ બાદ રાજદ્વારી પ્રયાસો તેજ થયા અને અંતે બંને દેશો સીઝફાયર પર સહમત થયા.

લેબેનોનના પ્રમુખ જોસેફ આઉનના કાર્યાલયે ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, આજે બપોરે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને લેબેનોનના પ્રમુખ જોસેફ આઉન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન પ્રમુખ આઉને લેબનાનમાં યુદ્ધવિરામ કરાવવા અને કાયમી શાંતિ તથા સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પ્રમુખ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો બદલ ફરી એકવાર તેમનો આભાર વ્યક્ત કર્યો હતો; આ પ્રયાસોએ આ ક્ષેત્રમાં શાંતિ પ્રક્રિયાને આગળ ધપાવવાનો માર્ગ મોકળો કર્યો છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ પ્રયાસો ચાલુ રાખવામાં આવે જેથી વહેલી તકે સંઘર્ષને રોકી શકાય. ટ્રમ્પે પ્રમુખ આઉન અને લેબેનોન પ્રત્યે પોતાનું સમર્થન દોહરાવ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ લેબેનોનની આ માંગને વહેલી તકે પૂરી કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
ઈઝરાયેલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલાઓને કારણે લેબનાનમાં ભારે જાન-માલનું નુકસાન થયું છે. લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા લેબનાની નાગરિકોની કુલ સંખ્યા વધીને ૨,૧૯૬ થઈ ગઈ છે.

બંને દેશોના પ્રતિનિધિઓ ૩૪ વર્ષમાં પ્રથમ વખત વોશિંગ્ટન ડીસીમાં સામસામે મળ્યા હતા. આ બેઠકમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ હાજર રહ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે ઉપરાષ્ટ્રપતિ અને સૈન્ય અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ આ કામચલાઉ સીઝફાયરને કાયમી શાંતિમાં ફેરવવા માટે બંને દેશો સાથે મળીને કામ કરે. આ અગાઉ મંગળવારે અમેરિકાએ ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે એક મહત્ત્વપૂર્ણ ત્રિપક્ષીય બેઠકની યજમાની કરી, જે ૧૯૯૩ બાદ પહેલી ઉચ્ચસ્તરીય પહેલ હતી.
