અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વાહનચોરીનો એક અત્યંત વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તસ્કરો પોતે કાર લઈને આવ્યા હતા અને અન્ય એક કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવાની પદ્ધતિ એટલી ચાલાકીભરી હતી કે તસ્કરોએ કારનું એન્જિન ચાલુ કર્યા વગર જ તેને ધક્કો મારીને સોસાયટીની બહાર કાઢી હતી, જેથી અવાજ ન થાય અને કોઈ જાગી ન જાય.

નારણપુરાના રહેવાસી પ્રશાંત રાજ્યગુરુએ વર્ષ ૨૦૨૬ માં એક સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી. ગત ૧૭ મી એપ્રિલે તેણે પોતાની આ કાર ઘરની બહાર પાર્ક કરી હતી. ૨૦ મી એપ્રિલની વહેલી સવારે પાંચ વાગ્યે જ્યારે તેઓ પોતાના ભાઈને લેવા જવા માટે બહાર નીકળ્યા ત્યારે કાર ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.

ચોરાયેલી કારની અંદર માલિકના ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ જેવા અત્યંત મહત્ત્વના ઓળખપત્રો પણ મુકેલા હતા. આ દસ્તાવેજો પણ કારની સાથે જ ચોરાઈ જતા પ્રશાંતભાઈની મુશ્કેલીમાં વધારો થયો છે.

પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, બુકાનીધારી તસ્કરો કારમાં આવ્યા હતા. એક તસ્કરે કારનું લોક તોડ્યું હતું. પકડાઈ જવાના ડરથી તેમણે એન્જિન શરૂ કરવાને બદલે કારને શાંતિથી ધક્કો મારીને સોસાયટીની બહાર લઈ ગયા હતા. અવાજ ન થવાને કારણે આસપાસના લોકોને ચોરીની ગંધ પણ આવી નહોતી.
