રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત,

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ચોંકાવનારો નિર્ણય લેતા જાહેર કર્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. દિલ્હીમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતિયાંશ (૨/૩) સભ્યોએ ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં સાંસદોના પક્ષપલટાથી વિપક્ષની સ્થિતિ પર ઊંડી અસર પડી શકે છે. આ દરમિયાન રાઘવ ચઢ્ઢા ભાજપ અધ્યક્ષને મળવા ભાજપ કાર્યાલય પહોંચી ગયા છે.

રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો ખુલાસો કરતા પક્ષ સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારા જીવનના મહત્ત્વના ૧૫ વર્ષ આપ્યા છે, તે પાર્ટી હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પણ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મને સતત એવું લાગી રહ્યું હતું કે હું એક ખોટી પાર્ટીમાં ફસાઈ ગયેલો સાચો માણસ છું. એટલા માટે જ આજે હું મારી જાતને ‘આપ’થી અલગ કરી રહ્યો છું અને હવે જનતાની સેવામાં જોડાઈ રહ્યો છું, તેમજ મારી સાથે આમ આદમી પાર્ટીના બે તૃતિયાંશ (૨/૩) સાંસદો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.’
![]()
રાઘવ ચઢ્ઢાના દાવા મુજબ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની અને અશોક મિત્તલ સહિતના નેતાઓએ ભાજપમાં જોડાવા માટે સહી કરી દીધી છે. રાજ્યસભામાં ‘આપ’ પાસે કુલ ૧૦ સાંસદો છે, જેમાંથી ૭ પંજાબના અને ૩ દિલ્હીના છે. ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને આ સભ્યો હવે ભાજપમાં ભળી જશે.

પક્ષપલટા પાછળના પાંચ મોટા કારણો
૧… રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલના નેતૃત્વ પર સીધો પ્રહાર : રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, ‘જે પાર્ટીને ૧૫ વર્ષ સુધી લોહી-પરસેવાથી ઉભી કરી, તે હવે પોતાના મૂળ માર્ગથી ભટકી ગઈ છે. આમ આમદી પાર્ટી હવે દેશહિતને બદલે વ્યક્તિગત ફાયદા માટે કામ કરી રહી છે.’ તેમણે પોતાને ‘ખોટી પાર્ટીમાં સાચી વ્યક્તિ’ ગણાવી સંકેત આપ્યો કે પાર્ટીની અંદર લાંબા સમયથી બધું બરાબર નહોતું. આ નિવેદન લાખો કાર્યકર્તાઓનું મનોબળ તોડી શકે છે.
૨… રાઘવ ચઢ્ઢાની મોટી ગેમ, કેજરીવાલને મુશ્કેલીમાં મૂક્યા : રાજ્યસભામાં આમ આમદી પાર્ટી પાસે ૧૦ સાંસદો હતા, જે તેને ઉપલા ગૃહમાં મજબૂત તાકાત બનાવતા હતા. ચઢ્ઢાએ દાવો કર્યો છે કે, તેમની સાથે ૨-૩ થી વધુ એટલે કે ૭ સાંસદો છે, જેમાં હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની અને સ્વાતિ માલીવાલ જેવા મોટા નામ સામેલ છે. બંધારણીય નિયમો મુજબ, જો ૨/૩ સભ્યો અલગ થઈને બીજી પાર્ટીમાં ભળે તો તેમની સદસ્યતા રદ થતી નથી. આ કાયદાકીય દાવપેચનો ઉપયોગ કરી ચઢ્ઢાએ કેજરીવાલને મુશ્કેલી મૂકી દીધા છે.
૩… AAPના ચાણક્યએ પણ કેજરીવાલનો સાથ છોડ્યો : સંદીપ પાઠકને આમ આદમી પાર્ટીના ‘ચાણક્ય’ માનવામાં આવતા હતા. પંજાબમાં ભવ્ય જીત અને પાર્ટીને રાષ્ટ્રીય ઓળખ અપાવવામાં તેમનો સૌથી મોટો ફાળો હતો. પાઠકે કહ્યું કે, તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને દેશ માટે કંઈક સાર્થક કરવા માંગતા હતા, પરંતુ હવે આમ આદમી પાર્ટીમાં તેવું વાતાવરણ રહ્યું નથી. પાઠકની વિદાયથી ચૂંટણી વ્યવસ્થાપન અને બૂથ લેવલ સુધી કાર્યકર્તાઓને એકજુઠ રાખનાર હવે કોઈ નેતા કેજરીવાલ પાસે બચ્યો નથી.
૪… પંજાબની ભગવંત માન સરકાર પર સંકટના વાદળો : સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે, ભાજપ ‘ઓપરેશન લોટસ’ દ્વારા ભગવંત માન સરકારને તોડવા માંગે છે. રાજ્યસભાના સાત સાંસદોનું જવું સંકેત છે કે પંજાબમાં પણ સ્થિતિ સામાન્ય નથી, કારણ કે આ સાતેય સાંસદો પંજાબનું પ્રતિનિધિત્વ કરે છે. રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડતા હવે પંજાબના કેડરમાં મોટી ગાબડું પડી શકે છે. જો આ બગાવત પંજાબના ધારાસભ્યો સુધી પહોંચશે તો ભગવંત માન માટે ખુરશી બચાવવી અશક્ય બની જશે.
૫… ચઢ્ઢાએ PM મોદી સરકારના વખાણ કર્યા : રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના જોરદાર વખાણ કર્યા છે. જે ચઢ્ઢા અત્યાર સુધી કેન્દ્ર સરકારના પ્રખર ટીકાકાર હતા, તેમનો હવે યુ-ટર્ન લઈ લીધો છે. કેજરીવાલ પોતાને PM મોદીનો વિકલ્પનો દાવો કરતા હતા, તેમના જ ખાસ સાથીઓ હવે મોદીના નેતૃત્વમાં દેશસેવાની વાત કરી રહ્યા છે.
