આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત તથા ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે.

આ ચૂંટણીમાં ૨૦૨૭ માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનો પાયો નખાઈ જશે તેવું મનાય છે. પાલિકા પંચાયતની કુલ ૯૨૬૮ બેઠકો પર ૨૫૫૧ ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ત્યારે જનપ્રતિનિધિને ચૂંટવા માટે કુલ ૪.૦૨ કરોડ મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરશે.


ગોધરાના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ મતદાન મથકમાં આગ ફાટી નીકળતા નાસભાગનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, મતદાન મથકમાં લગાવવામાં આવેલા એસી માં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે, જેને વર્ષ ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીની ‘સેમીફાઈનલ’ તરીકે જોવામાં આવે છે. રાજ્યની કુલ ૧૫ મહાનગરપાલિકાઓ (૬ જૂની અને ૯ નવી)માં મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે, જ્યાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે પણ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે.

આ ચૂંટણીમાં કુલ ૧૫ મહાનગરપાલિકાઓની ૪૩ બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેના કારણે હવે બાકીની ૧૦૦૧ બેઠકો પર રસાકસી જામી છે. ૧.૧૦ કરોડથી વધુ મતદારો આજે કુલ ૩૧૪૫ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે, જેના પરિણામો આગામી ૨૮ એપ્રિલે જાહેર થશે.

ગુજરાતમાં ૧૫ વર્ષના લાંબા અંતરાલ બાદ શહેરી શાસન વ્યવસ્થામાં મોટો બદલ જોવા મળ્યો છે, જ્યાં ૨૦૨૫ માં નવી રચાયેલી ૯ નવી મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી હતી. રાજ્યમાં ભાજપના મજબૂત ગઢ સમાન ગણાતા શહેરી વિસ્તારોમાં પકડ વધુ સુદ્રઢ કરવાના હેતુથી નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, જેની હવે પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. અગાઉ વર્ષ ૨૦૦૨ માં જૂનાગઢ અને ત્યારબાદ છેલ્લે ૨૦૧૦ માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના થઈ હતી. આ વખતે રાજ્યની ૬ જૂની અને ૯ નવી મળી કુલ ૧૫ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે, જે રાજ્યના રાજકીય ફલક પર વિકાસ અને સત્તાના સમીકરણો માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

આ વખતે મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાની લગભગ ૭૦૦ જેટલી બેઠકો બિનહરિફ જાહેર થઇ ચૂકી છે. આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ભાજપના ૯૫૯૬, કોંગ્રેસના ૮૪૪૩ ઉમેદવારો જ્યારે આમ આદમી પાર્ટીના ૫૨૬૧ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે. જ્યારે અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે. કુલ ૪.૦૨ કરોડમાં શહેરી મતદારો ૧.૪૦ કરોડ છે.

વડોદરામાં ઈવીએમ ખોટકાયું
મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુરમાં અંબે સ્કૂલમાં મતદાન મથકે ઈવીએમ ખોટકાતા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. મતદારો અકળાયા હતા.
બનાસકાંઠાના અમીર ગઢમાં ઈવીએમમાં ગરબડ
બનાસકાંઠાના અમીર ગઢમાં પણ ઈવીએમમાં ગરબડના અહેવાલ આવતા મતદારો રોષે ભરાયા હતા.
પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનની શરૂઆત
પંચમહાલ જિલ્લાના શહેરામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઈ છે. જિલ્લા પંચાયતની 3, તાલુકા પંચાયતની ૧૪ અને નગરપાલિકાની ૧૧ મળી કુલ ૨૮ બેઠકો માટે ૧ લાખ ૩૨ હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ ઉત્સાહપૂર્વક મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ૧૫૯ જેટલા મતદાન મથકો પર મતદારો માટે પાણી અને મંડપની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈને હાલાકી ન પડે. સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

