મામલો શ્રીલંકાના કોલંબોની એક હોટલનો છે, જેમાં શ્રીલંકાની અંડર-૧૯ ટીમના બે ખેલાડીઓ પર હોટલની અંદર એક મહિલાનો વીડિયો શૂટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ક્રિકેટ જગતમાં શુક્રવારે એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો અંડર-૧૯ ક્રિકેટરો સાથે જોડાયેલો છે, જેમણે એક હોટલના બાથરૂમમાં મહિલાનો વીડિયો બનાવ્યો હતો. આ મામલો શ્રીલંકાના કોલંબોની એક હોટલનો છે, જેમાં શ્રીલંકાની અંડર-19 ટીમના બે ખેલાડીઓ પર હોટલની અંદર એક મહિલાનો વીડિયો શૂટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર આ કેસ આ અઠવાડિયાની શરૂઆતનો છે. જે પછી પોલીસે બંને ખેલાડીઓની ધરપકડ કરી હતી. તેમના પર હોટલના બાથરૂમમાં મોબાઈલ ફોનથી વીડિયો બનાવવાનો આરોપ હોટલમાં રોકાયેલી એક મહિલાએ લગાવ્યો હતો. જોકે આ બંને ખેલાડીઓને બાદમાં ૫૦૦,૦૦૦ એલકેઆર (૧૫૬૪ યુએસ ડોલર) પર જામીન આપવામાં આવ્યા હતા.

નારાહેનપીટા પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. આ કિસ્સામાં તે પણ શોધી કાઢવામાં આવી રહ્યું છે કે જે વીડિયો શૂટ કરવામાં આવ્યો છે તેમાંથી કોઈ પણ ઓનલાઇન ઇન્ટરનેટ પર શેર કરવામાં આવ્યો છે કે નહીં. બંને કથિત આરોપી ક્રિકેટરોને પ્રાથમિક સુનાવણી માટે અલુથકડે મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હવે તેમની આગામી 25 મેના રોજ કોર્ટમાં રજુ કરાશે.
શ્રીલંકા ક્રિકેટે શું કાર્યવાહી કરી?
જોકે શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) દ્વારા આ મામલે કોઈ અનુશાસનહીનતાની કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી નથી. શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉથલ-પુથલ જોવા મળી રહ્યું છે. છેલ્લા ૪૮ કલાકમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તમામ જૂના અધિકારીઓને દૂર કરવામાં આવ્યા છે અને ટ્રાન્સફોર્મેશન કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ બધું શ્રીલંકાની સરકારની સૂચના પર કરવામાં આવ્યું છે.

તાજેતરમાં આઇપીએલમાં વિવાદ સર્જાયો હતો જ્યારે ખેલાડીઓને શ્રીલંકા ક્રિકેટ તરફથી એનઓસી મળી ન હતી. અગાઉ શ્રીલંકાના એક જાણીતા ક્રિકેટર પર ૨૦૨૨ ના ટી-૨૦ વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એટલે કે બોર્ડની અંદર ઘણા લાંબા સમયથી ઘણું બરાબર ચાલી રહ્યું નથી. હવે જોવાનું રહેશે કે બોર્ડ આ મામલાને કેટલી કડક રીતે લે છે. હાલ આ અંગે શ્રીલંકા ક્રિકેટ તરફથી કોઈ પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.
