ભાજપે આસામના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરી લીધું છે. ડૉ. હિમંતા બિસ્વા સરમાને સર્વાનુમતે ભાજપ ધારાસભ્ય દળ અને એનડીએ ધારાસભ્ય દળ બંનેના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. હિમંતા બિસ્વા સરમા ૧૨ મેના રોજ આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે ભાજપે પક્ષના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. આ માટે આસામ ભાજપ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી, જે દરમિયાન નેતાની ઔપચારિક પસંદગી કરવામાં આવી હતી. હિમંતા બિસ્વા સરમાએ ૬ મેના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં, તેઓ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે પોતાની ફરજો બજાવી રહ્યા છે. નવી સરકારની રચના સાથે તેઓ હવે સતત બીજા કાર્યકાળ માટે રાજ્યના મુખ્યમંત્રી બનશે.

ભાજપે ૮૨ બેઠકો પર વિજય મેળવ્યો
આસામની ૧૨૬ સભ્યોની વિધાનસભામાં ભાજપે ૮૨ બેઠકો જીતીને પોતાની તાકાત દર્શાવી છે, જ્યારે તેના સાથી પક્ષો આસોમ ગણ પરિષદ (એજીપી) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) એ ૧૦-૧૦ બેઠકો મેળવી છે. આમ, કુલ ૧૦૨ બેઠકો સાથે ગઠબંધને બે તૃતીયાંશ બહુમતી મેળવી છે.

હિમંતા બિસ્વા સરમાની રાજકીય યાત્રા
હિમંતા બિસ્વા સરમાએ ૧૯૯૦ ના દાયકામાં ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (એએએસયુ) ના સક્રિય નેતા તરીકે પોતાની ઓળખ બનાવી હતી અને પછી કોંગ્રેસ પાર્ટી સાથે મુખ્ય પ્રવાહના રાજકારણમાં પગ મૂક્યો હતો. ૨૦૦૧ માં જલુકબારી મતવિસ્તારમાંથી પહેલી વાર ધારાસભ્ય બન્યા પછી, તેઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના સૌથી વિશ્વસનીય લેફ્ટનન્ટ અને સરકારના ‘સંકટમોચક’ તરીકે ઉભરી આવ્યા હતા. આરોગ્ય અને શિક્ષણ જેવા મુખ્ય વિભાગો સંભાળતી વખતે, તેમણે પોતાની વહીવટી કુશળતા સાબિત કરી. જોકે ૨૦૧૬ માં કોંગ્રેસ નેતૃત્વ સાથેના મતભેદોને કારણે તેમણે પાર્ટી છોડી દીધી અને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા પછી તરત જ સરમાને એનઇડીએ (નોર્થ-ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ) ના કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારબાદ તેમણે આસામ ઉપરાંત મણિપુર, ત્રિપુરા અને મેઘાલય જેવા રાજ્યોમાં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન સરકારોની રચનામાં ‘ચાણક્ય જેવી’ ભૂમિકા ભજવી હતી. તેમણે ૨૦૧૬ માં આસામમાં પહેલી વાર ભાજપ સરકાર સ્થાપવામાં મુખ્ય ભૂમિકા ભજવી અને સર્બાનંદ સોનોવાલ વહીવટમાં સૌથી શક્તિશાળી મંત્રી તરીકે ઉભરી આવ્યા હતા. આખરે ૨૦૨૧’ની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર વિજય બાદ અને તેમના રાજકીય કદને માન્યતા આપતા પાર્ટીએ તેમને આસામના ૧૫ મા મુખ્યમંત્રી તરીકે સેવા આપવાની જવાબદારી સોંપી હતી.


જે પકડીને મેં ચાલતા શીખ્યું,
આપી દો અમને ફરી એ બાળપણ
જે મસ્તી મમતા ખુશીમાં વીત્યું..
મીઠડી યાદ..
માતૃ દિવસની મમતામયી શુભેચ્છાઓ…