
આજે આઈપીએલ ૨૦૨૬ ના બીજા ક્વોલિફાયરમાં એક હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળશે. ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમમાં સાંજે ૦૭:૩૦ વાગ્યે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ આમને-સામને ટકરાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે, પરંતુ આ જંગ માત્ર ફાઇનલની ટિકિટ પૂરતો મર્યાદિત નથી; આ લડાઈ ૪ વર્ષ જૂના બદલાની પણ છે.

૨૯ મેનો ઈતિહાસ અને રાજસ્થાન રોયલ્સ પાસે સોનેરી તક
બરાબર ૪ વર્ષ પહેલા, ૨૯ મે ૨૦૨૨ ના રોજ આઈપીએલ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટ્રોફી જીતી હતી. આજે ફરી એ જ તારીખે બંને ટીમો પ્લેઓફમાં આમને-સામને છે. રાજસ્થાન પાસે ગુજરાતને ખિતાબી રેસમાંથી બહાર કરીને પોતાના જૂના દર્દનો હિસાબ બરાબર કરવાની આ ઉત્તમ તક છે.

વૈભવ સૂર્યવંશી બનશે હુકમનો એક્કો!
રાજસ્થાનની આશાનો મોટો આધાર ઓપનર વૈભવ સૂર્યવંશી પર રહેશે. આ એ જ મેદાન છે જ્યાં એલિમિનેટર મેચમાં વૈભવે સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોની ધુલાઈ કરી હતી. વૈભવ હાલમાં આઈપીએલ ૨૦૨૬ માં સૌથી વધુ રન અને સૌથી વધુ સિક્સર ફટકારીને ઓરેન્જ કેપની રેસમાં ટોપ પર છે. જો આજે તેનું બેટ ચાલશે તો ગુજરાત મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
કેવો છે હેડ-ટુ-હેડ રેકોર્ડ?
જો હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો આઈપીએલના ઈતિહાસમાં ગુજરાત ટાઇટન્સનું પલ્લું ભારે રહ્યું છે, જ્યાં બંને વચ્ચે રમાયેલી કુલ ૧૦ મેચોમાંથી ગુજરાતે ૭ અને રાજસ્થાને ૩ મેચ જીતી છે. જોકે, વર્ષ ૨૦૨૫ થી અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે અને આંકડો ૨-૨ ની બરાબરી પર છે. બીજી તરફ, ન્યૂ ચંદીગઢના મેદાન પર રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, જ્યાં ટીમ પોતાની તમામ ૪ મેચ જીતીને અજેય રહી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સને આ મેદાન પર રમાયેલી ૩ મેચોમાંથી 2માં હારનો સામનો કરવો પડ્યો છે અને માત્ર ૧ મેચમાં જ જીત મળી છે.
ટોસ જીતનાર ટીમ પસંદ કરશે બેટિંગ
ન્યૂ ચંદીગઢના આ મેદાન પર રમાયેલી છેલ્લી ૭ મેચોમાંથી ૬ મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે. તેથી આજે જે પણ ટીમ ટોસ જીતશે, તે પહેલા બેટિંગ કરવાનું જ પસંદ કરશે.

