વરસાદ-કાદવ વચ્ચે દર્દીને ઝોળીમાં ઉપાડી હોસ્પિટલ દોડ્યા!

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સેવા નિભાવવી કેટલી મુશ્કેલ છે, તેનો વધુ એક જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ માનવતા અને ફરજનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને, એક દર્દીનો જીવ બચાવ્યો છે. તેમની આ સરાહનીય કામગીરીની સ્થાનિક સ્તરે ભારે પ્રશંસા થઈ રહી છે.

ગઈકાલે ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારના એક ગામમાંથી ૧૦૮ ઇમરજન્સી સેવા પર દર્દીની ગંભીર સ્થિતિ અંગેનો કોલ મળ્યો હતો. જો કે, વિસ્તારમાં સતત વરસી રહેલા મૂશળધાર વરસાદના કારણે રસ્તાઓ કાદવ-કીચડથી ભરાઈ ગયા હતા. માર્ગોની સ્થિતિ એટલી ખરાબ હતી કે, ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ એટલે કે, દર્દીના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી.
આવી વિકટ અને કટોકટીભરી પરિસ્થિતિમાં પણ ૧૦૮ ની ટીમે હાર ન માની. એમ્બ્યુલન્સના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ ત્વરિત નિર્ણય લીધો, અને પોતાની હિંમત તેમજ ફરજનિષ્ઠા દર્શાવી હતી. તેઓ દર્દીના ઘર સુધી પહોંચ્યા અને લાકડી તેમજ કપડાની મદદથી એક ઝોલી તૈયાર કરી. દર્દીને તે ઝોલીમાં બેસાડીને બંને કર્મચારીઓએ કાદવભર્યો અને અત્યંત મુશ્કેલ રસ્તો પગપાળા પાર કર્યો હતો. કોરોના અને ચોમાસા જેવી અનેક ઋતુઓમાં ખડેપગે રહેતા આ વોરિયર્સે દર્દીને કષ્ટદાયક માર્ગ પરથી સુરક્ષિત રીતે ઊંચકીને મુખ્ય માર્ગ પર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા.
દર્દીને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા બાદ, પ્રાથમિક સારવાર આપતા આપતા તેને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમયસર તબીબી સારવાર મળી જતાં, દર્દીની સ્થિતિ હવે સ્થિર છે, અને તેનો જીવ બચી ગયો છે. ભારે વરસાદ અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે પોતાની જાનની પરવા કર્યા વિના દર્દીની વહારે આવેલા ૧૦૮ ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાની આ કામગીરીને સ્થાનિક ગ્રામજનો અને સોશિયલ મીડિયા પર લોકો બિરદાવી રહ્યા છે. ૧૦૮ ની આ ટીમે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, ઇમરજન્સી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ કોઈપણ પરિસ્થિતિમાં લોકોના જીવન બચાવવા માટે હંમેશા તત્પર રહે છે.
