દિલ્હી-એનસીઆર સહિત ભારતના ઘણા ભાગોમાં શનિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ જીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં પૃથ્વીની સપાટીથી ૧૯૧ કિલોમીટરની ઊંડાઈએ હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૨ માપવામાં આવી હતી.

અફઘાનિસ્તાનમાં આજે સાંજે ભૂકંપનો એક જોરદાર આંચકો અનુભવાયો છે, જેના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ભારતીય સમયાનુસાર (IST) સાંજે ૦૭:૦૪ વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૨ માપવામાં આવી છે. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા આસપાસના પાડોશી દેશો સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો સુધી પણ અનુભવાયા હોવાના અહેવાલ છે.
અફઘાનિસ્તાન-તાજિકિસ્થાન સરહદ નજીક કેન્દ્રબિંદુ
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફેઝાબાદ થી આશરે ૭૪ કિમી દક્ષિણમાં (અક્ષાંશ: ૩૬.૪૪૨ N, રેખાંશ: ૭૦.૬૭૨ E) નોંધાયું છે, જે અફઘાનિસ્તાન અને તાજિકિસ્થાનના સરહદી વિસ્તારોની ખૂબ નજીક આવેલું છે. આ ભૂકંપ જમીનની અંદર ૨૧૫ કિલોમીટર જેટલી ઊંડાઈએ આવ્યો હતો.
મોટી તબાહીની સંભાવના ઓછી
નિષ્ણાતોના મતે, ભૂકંપ જમીનની અંદર ખૂબ વધારે ઊંડાઈએ આવ્યો હોવાને કારણે તેની ધ્રુજારીની અસર ખૂબ મોટા ભૌગોલિક વિસ્તારમાં ફેલાઈ હતી. જોકે, ઊંડાઈ વધુ હોવાને લીધે કેન્દ્રબિંદુની આસપાસના વિસ્તારોમાં મોટી તબાહી કે જાનમાલના મોટા નુકસાનની સંભાવના ઓછી રહે છે. હાલના તબક્કે આ ભૂકંપને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સત્તાવાર સમાચાર પ્રાપ્ત થયા નથી. સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો દ્વારા હાલ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.
