સુંદર વાતાવરણની સાથે ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા તાત્કાલિક અસરથી બંધ રાખવાનો નિર્ણય

જૂનાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ગિરનાર પર્વત પર કુદરતનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ગિરનારની આસપાસ વાદળોની ચાદર છવાઈ ગઈ છે અને પર્વત જાણે વાદળો સાથે વાતો કરતો હોય તેવા મનમોહક દૃશ્યો સામે આવ્યા છે. જોકે આ સુંદર વાતાવરણની સાથે ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા તાત્કાલિક અસરથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
.
વાસ્તવમાં રોપ-વે સંચાલક તંત્રએ પ્રવાસીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લીધો છે. ભારે પવનના કારણે રોપ-વેનું સંચાલન સુરક્ષિત રીતે શક્ય ન હોવાથી સેવા અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે. હાલ પવનની ગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

તંત્રના જણાવ્યા મુજબ પવનની ગતિ સામાન્ય થયા બાદ ગિરનાર રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે. પ્રવાસીઓને હાલ ગિરનારની મુલાકાત દરમિયાન સાવચેતી રાખવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. વરસાદ અને વાદળોની વચ્ચે ગિરનારના કુદરતી સૌંદર્યે પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓને આકર્ષ્યા છે. જોકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા નિર્ણયને કારણે રોપ-વે સેવા હાલ બંધ રાખવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

