ટ્રસ્ટની બેઠકમાં ચંપત રાય-અનિલ મિશ્રા પર મોટો નિર્ણય

અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના ભારે વિવાદ વચ્ચે સોમવારે, ૬ જુલાઈએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રસ્ટીઓએ બે ઐતિહાસિક નિર્ણય લીધા છે. ટ્રસ્ટે પ્રથમ નિર્ણયમાં વર્તમાન જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાને સર્વાનુમતે મંજૂર કરી દીધા છે, જ્યારે બીજા નિર્ણય હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગ લાલ બાગડાને સર્વાનુમતે રામ મંદિર ટ્રસ્ટના નવા જનરલ સેક્રેટરી તરીકે ચૂંટી કાઢ્યા છે. દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ બંને અધિકારીઓની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા હતા અને SIT તપાસ શરૂ થતાં જ બંનેએ રાજીનામા આપી દીધા હતા.

ટ્રસ્ટની બેઠકમાં ચર્ચા થઈ હતી કે, દાન ચોરીના આરોપોને કારણે દેશભરમાં મંદિરની બદનામી થઈ રહી છે, જેનાથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. આથી ધર્મની રક્ષા કાજે આ બંને પદાધિકારીઓએ જવાબદારી સ્વીકારવી પડશે. આ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રા સામેલ થયા નહોતા અને તેમને બહાર જ રોકી દેવાયા હતા. ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહને જ આ ચોરી અંગે અયોધ્યા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.

ચંપત રાયની વિદાય બાદ ટ્રસ્ટે બજરંગ લાલ બાગડાને સર્વાનુમતે રામ મંદિર ટ્રસ્ટના નવા જનરલ સેક્રેટરી તરીકે ચૂંટી કાઢ્યા છે. રાજસ્થાનના સીકર જિલ્લાના વતની બજરંગ લાલ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેમની છબી અત્યંત બેદાગ અને વહીવટી દ્રષ્ટિએ કુશળ માનવામાં આવે છે.

બજરંગ લાલ બાગડા ભારત સરકારની નવરત્ન કંપની ‘નાલ્કો’ (NALCO) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) રહી ચૂક્યા છે. આ સિવાય, વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૧ દરમિયાન તેમણે ‘એકલ અભિયાન’ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું, જેના હેઠળ દેશના ૬૨,૦૦૦ થી વધુ ગામડાઓમાં શાળાઓ ચલાવીને અંદાજે ૧૬ લાખ બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું હતું. તેમની આ જ યોગ્યતાને કારણે વર્ષ ૨૦૨૪ માં તેમને વીએચપીના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે તેઓ રામ મંદિરની વ્યવસ્થા સંભાળશે, જેનાથી વહીવટમાં મોટી પારદર્શકતા આવવાની આશા છે.

આ મહત્વની બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ, કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીજી મહારાજ, નિર્મોહી અખાડાના પ્રતિનિધિ મહંત દિનેન્દ્ર દાસ અને સભ્ય કામેશ્વર ચૌપાલ હાજર રહ્યા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ વિભાગના અપર મુખ્ય સચિવ સંજય પ્રસાદ અને અયોધ્યાના કલેક્ટર (DM) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
